ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અંદાજે રૂ. 6 કરોડના ખર્ચે પુનઃવિકસિત થયેલા ગોધરા જંકશન રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓથી સજ્જ બનેલું ગોધરા જંકશન હવે યાત્રીઓ માટે વધુ સુરક્ષિત, સુવિધાસભર અને આકર્ષક બની ગયું છે.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લાના પ્રભારી મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે ગોધરા માટે આ ઐતિહાસિક અને ગૌરવની ક્ષણ છે. રેલવે સ્ટેશન માત્ર મુસાફરીનું કેન્દ્ર નથી, પરંતુ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસનું મહત્વપૂર્ણ માધ્યમ છે. તેમણે જણાવ્યું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના 87 રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે, જેમાંથી 18 સ્ટેશનો અગાઉ મે-2025માં દેશને સમર્પિત કરવામાં આવ્યા હતા.
પ્રભારી મંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને નવી દિશા મળી છે અને ગોધરા જંકશનનું આધુનિકીકરણ પણ તે જ વિકાસયાત્રાનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે ગોધરાવાસીઓની વર્ષો જૂની માંગ પૂર્ણ કરવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાંસદ રાજપાલસિંહ જાદવએ જણાવ્યું હતું કે પુનઃવિકસિત ગોધરા જંકશન હવે આધુનિક સુવિધાઓ, યાત્રી સુરક્ષા અને સ્થાનિક સંસ્કૃતિના સુંદર સમન્વય સાથે તૈયાર થયું છે. સ્ટેશનના મુખ્ય બિલ્ડિંગનું નવીનીકરણ, નવા દ્વિતીય પ્રવેશદ્વારનું નિર્માણ, પહોળા કરાયેલા પ્લેટફોર્મ, ચાર આધુનિક લિફ્ટ, સુવ્યવસ્થિત પાર્કિંગ, દિવ્યાંગજનો માટે અનુકૂળ સુવિધાઓ અને આધુનિક સાઈનેજ સિસ્ટમ જેવી અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સાથે જ સ્ટેશન પરિસરમાં ગુજરાત અને સ્થાનિક સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી કલાત્મક ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે.
રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારએ જણાવ્યું હતું કે ગોધરા સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવેશ 26 ફેબ્રુઆરી, 2024ના રોજ કરવામાં આવ્યો હતો. તેમણે વડાપ્રધાનના વિકાસવિઝનની પ્રશંસા કરતાં જણાવ્યું કે જે યોજનાઓનું ખાતમુહૂર્ત થાય છે તેનું સમયસર લોકાર્પણ પણ થાય છે. તેમણે રેલવે ક્ષેત્રે થયેલા વિકાસ અંગે માહિતી આપતાં જણાવ્યું કે વર્ષ 2014માં દેશના માત્ર 33 ટકા રેલવે નેટવર્કનું વિદ્યુતીકરણ થયું હતું, જે આજે વધીને લગભગ 99.6 ટકા સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત દેશભરમાં દોડી રહેલી 135થી વધુ વંદે ભારત ટ્રેનો, મુસાફરીના સમયમાં થયેલો નોંધપાત્ર ઘટાડો, ‘કવચ 4.0’ જેવી અદ્યતન સુરક્ષા ટેક્નોલોજી અને સ્ટેશનો પર વધેલી સુવિધાઓનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, જિલ્લા અગ્રણી મયંકભાઈ દેસાઈ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, ગોધરા નગરપાલિકા પ્રમુખ, એ.પી.એમ.સી.ના અધ્યક્ષ, જિલ્લા કલેક્ટર અજય દહિયા, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ, રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
