ફતેપુરા (દાહોદ), આઝાદ એસ. મન્સૂરી :-
નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન અને દાતાશ્રીઓનો કરાયો સન્માન સમારોહ

દાહોદ: જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર સ્થિત તાલુકા કુમારશાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રવીણભાઈ પંચાલ, પૂર્વ સરપંચ ડૉ. અશ્વિનભાઈ પારગી, ભાજપના આગેવાન શ્રી પંકજભાઈ પંચાલ, રોગી કલ્યાણ સમિતિ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરાના સભ્ય શ્રી શબ્બીરભાઈ સુનેલવાલા, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, શિક્ષિકાઓ, પત્રકાર મિત્રો, ગામના આગેવાનો, વિદ્યાર્થીઓ તેમજ નવા પ્રવેશ મેળવનાર બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને દફતર, કંપાસ સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાની વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાજપના આગેવાન શ્રી પંકજભાઈ પંચાલના હસ્તે રોકડ ઇનામોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ, કન્યા કેળવણી અને બાળકોના સર્વાંગી વિકાસ અંગે પ્રેરણાદાયી ઉદબોધન કરી વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ દ્વારા દાતાશ્રીઓ તથા સહયોગીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક શ્રી શૈલેષભાઈ પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે શિક્ષક શ્રી કમલેશભાઈ પ્રજાપતિએ આભારવિધિ વ્યક્ત કરી હતી.
