ફતેપુરા તાલુકામાં મલેરિયા-ડેન્ગ્યુ નિયંત્રણ માટે આરોગ્ય વિભાગનું જનજાગૃતિ અભિયાન: તમામ ગામોના સરપંચોને આરોગ્ય મંત્રીનો પરિપત્ર અપાયો…

ફતેપુરા, (દાહોદ) આઝાદ મન્સુરી :-

વાહકજન્ય રોગો સામે સાવચેતી માટે વિશેષ સર્વેલન્સ, ઘર-ઘર જઈ આરોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું

ફતેપુરા (દાહોદ): દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં મલેરિયા, ડેન્ગ્યુ અને અન્ય વાહકજન્ય રોગોના કેસોમાં વધારો ન થાય તે હેતુસર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ જનજાગૃતિ અને સર્વેલન્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત તાલુકાના તમામ ગામોના સરપંચશ્રીઓને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાનો પરિપત્ર અર્પણ કરીને રોગચાળા સામે સાવચેતી રાખવા અને ગામસ્તરે જરૂરી કામગીરી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા મલેરિયા અધિકારી શ્રી અતીત ડામોરના સૂચન અનુસાર તાલુકા આરોગ્ય અધિકારી શ્રી સુરેશ વી. આમલિયારના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા આ વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અભિયાન દરમિયાન ફતેપુરા તાલુકાના તમામ ગામોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયા જેવા વાહકજન્ય રોગોથી બચવા માટે લોકોમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ દરેક ગામના સરપંચોને આરોગ્ય મંત્રીશ્રીનો પરિપત્ર આપીને ગામસ્તરે સ્વચ્છતા અને રોગ નિયંત્રણ માટે વિશેષ કામગીરી કરવા અપીલ કરી હતી.

આ ઉપરાંત તાલુકાભરમાં વિશેષ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે વિવિધ ગામો અને ફળિયાઓમાં ઘર-ઘર જઈ મુલાકાત લીધી હતી. આ દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, દવાનો છંટકાવ, મચ્છરદાનીનો ઉપયોગ, બહારગામથી આવેલા અથવા બહારગામ જનાર લોકોની આરોગ્ય તપાસ, તેમજ ઘરમાં પડેલા નકામા વાસણો, માટલા, ટાયર, ફૂલદાની, ફ્રિજ, કુલર, પાણીની ટાંકી, પીપ અને હોજ જેવી જગ્યાઓની નિયમિત સફાઈ રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આરોગ્ય કર્મચારીઓએ જ્યાં જરૂરી હોય ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરાવવા, ગપ્પી માછલીઓ છોડવા સહિતના નિવારક પગલાં અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા. સાથે જ મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા માટે જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

અભિયાન દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા, મચ્છરોનો ઉપદ્રવ રોકવા અને વાહકજન્ય રોગોથી બચવા માટે અપીલ કરવામાં આવી હતી. લોકોમાં વધુ જાગૃતિ ફેલાય તે માટે માહિતીપત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.



આ પણ વાંચો :-