ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

Kalam Ki Sarkar News / Fatepura: કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના દાહોદ જિલ્લાના 129-ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ત્રણ દિવસીય પ્રવાસ અંતર્ગત ફતેપુરા સ્થિત આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે આદિવાસી સમાજના યુવાનો અને રમતવીરો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન મંત્રીશ્રીએ યુવાનોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રોજગારી અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
સંવાદ દરમિયાન મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજનાં દીકરા-દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને નવી પેઢીને યોગ્ય દિશા મળે તે માટે સમાજના સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ. શિક્ષણની સાથે યુવાનોમાં વિવિધ વ્યવસાયલક્ષી કૌશલ્યોનો વિકાસ થાય તે પણ જરૂરી છે. દરેક યુવાન પોતાની ક્ષમતા અને આવડત મુજબ કૌશલ્ય પ્રાપ્ત કરી રોજગારી મેળવે અને આત્મનિર્ભર બને તે દિશામાં પ્રયાસો થવા જોઈએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી આદિવાસી સમાજને શિક્ષણ, આરોગ્ય, ખેતી અને પશુપાલન સહિતનાં તમામ ક્ષેત્રોમાં આગળ લાવવા સરકાર કટિબદ્ધ છે. યુવાનોને વિકાસની મુખ્યધારા સાથે જોડીને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં સૌએ સહભાગી બનવું જોઈએ.
આ પ્રસંગે યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને તેમની રમતગમતની પ્રતિભાને યોગ્ય તક મળે તે હેતુથી મંત્રીશ્રીએ વોલીબોલ, કબડ્ડી સહિતની વિવિધ રમતોનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ ઉપસ્થિત રમતવીરોનો ઉત્સાહ વધારી તેમને રમતગમત ક્ષેત્રે વધુ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
