અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો રઝળ્યા, તહેવારોની સિઝનમાં સ્પાઇસજેટ અને ઇન્ડિગોની 7 ફ્લાઇટ રદ થતાં ભારે હાલાકી

ગોધરા, પંચમહાલ (નવાઝ શેખ):-

Kalam Ki Sarkar News / Ahmedabad: તહેવારોની સિઝનમાં હવાઈ મુસાફરી કરતા મુસાફરોને અમદાવાદ ઍરપૉર્ટ પર ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવાર, 13 નવેમ્બર, 2026ના રોજ સ્પાઇસજેટની 3 અને ઇન્ડિગોની 4 મળીને કુલ 7 ફ્લાઇટ રદ થતાં અનેક મુસાફરો અટવાઈ ગયા હતા. આ ઉપરાંત ઇન્ડિગોની 2 ફ્લાઇટ આશરે એક કલાક મોડી પડતાં મુસાફરોને ઍરપૉર્ટ પર લાંબી રાહ જોવી પડી હતી.

મળતી માહિતી મુજબ, કેટલીક ફ્લાઇટના મુસાફરોને એકથી બે કલાક સુધી ઍરપૉર્ટ પર રાહ જોવડાવ્યા બાદ છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થયાની જાણ કરવામાં આવી હતી. મુસાફરોના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન એરલાઇન્સના કર્મચારીઓ તરફથી સંતોષકારક જવાબ મળ્યો નહોતો અને ફરિયાદ માટે ઈ-મેઇલ કરવાનું કહેવામાં આવ્યું હતું. વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

સતત બીજા દિવસે દુબઈની ફ્લાઇટ રદ

સ્પાઇસજેટની અમદાવાદથી દુબઈ જતી ફ્લાઇટ SG 5116 અને દુબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ SG 5115 સતત બીજા દિવસે રદ થતાં મુસાફરો અટવાયા હતા. આ ઉપરાંત અમદાવાદથી શ્રીનગર જતી SG 9634 ફ્લાઇટ પણ રદ કરવામાં આવી હતી. દુબઈ જવા માટે અનેક મુસાફરો મોડી રાતથી જ ઍરપૉર્ટ પર પહોંચી ગયા હતા, પરંતુ ફ્લાઇટ રદ થતાં તેમનું પ્રવાસ આયોજન ખોરવાયું હતું.

ઇન્ડિગોની 4 ફ્લાઇટ રદ, 2 ફ્લાઇટ મોડી

13 નવેમ્બરના રોજ ઇન્ડિગોની અમદાવાદ-જોધપુર (6E 7074), જોધપુર-અમદાવાદ (6E 7075), અમદાવાદ-ભોપાલ (6E 7191) અને ભોપાલ-અમદાવાદ (6E 7192) ફ્લાઇટ રદ થઈ હતી. જ્યારે અમદાવાદથી નવી મુંબઈ જતી (6E 7016) અને અમદાવાદથી જયપુર જતી (6E 7143) ફ્લાઇટ આશરે એક કલાક મોડી ઉપડવાની હોવાથી મુસાફરોને રાહ જોવી પડી હતી.

રદ અને મોડી પડેલી ફ્લાઇટ્સની વિગતો

એરલાઇન્સફ્લાઇટ નંબરરૂટસ્થિતિ
સ્પાઇસજેટSG 5116અમદાવાદ-દુબઈરદ
સ્પાઇસજેટSG 5115દુબઈ-અમદાવાદરદ
સ્પાઇસજેટSG 9634અમદાવાદ-શ્રીનગરરદ
ઇન્ડિગો6E 7074અમદાવાદ-જોધપુરરદ
ઇન્ડિગો6E 7075જોધપુર-અમદાવાદરદ
ઇન્ડિગો6E 7191અમદાવાદ-ભોપાલરદ
ઇન્ડિગો6E 7192ભોપાલ-અમદાવાદરદ
ઇન્ડિગો6E 7016અમદાવાદ-નવી મુંબઈઆશરે 1 કલાક મોડી
ઇન્ડિગો6E 7143અમદાવાદ-જયપુરઆશરે 1 કલાક મોડી

વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે મુસાફરોમાં નારાજગી

તહેવારોના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ફરવા અથવા વતન જવા માટે હવાઈ મુસાફરી પસંદ કરતા હોય છે. આવા સમયે છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થવાથી મુસાફરોના સમય અને નાણાંનો વ્યય થાય છે તેમજ પ્રવાસનું આયોજન ખોરવાય છે. મુસાફરોએ ફ્લાઇટ રદ થયા બાદ એરલાઇન્સ તરફથી સમયસર યોગ્ય માહિતી અને વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.



આ પણ વાંચો :-