E20 પેટ્રોલ વિવાદમાં નવો વળાંક: BPCLની ડિલીટ કરેલી પોસ્ટમાં 33% ઈથેનોલનો આંકડો દેખાતાં સવાલો

ગોધરા, પંચમહાલ (નવાઝ શેખ):-

Kalam Ki Sarkar News / India: દેશમાં E20 પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણને લઈને વિવાદ વધુ વકર્યો છે. કર્ણાટક સરકારે 63 પેટ્રોલ સેમ્પલમાં નિર્ધારિત 20 ટકાથી વધુ ઈથેનોલ હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન સરકારી કંપની ભારત પેટ્રોલિયમે મૈસુરુના એક પેટ્રોલ પંપ પર કરવામાં આવેલા પરીક્ષણ અંગે X પર કરેલી પોસ્ટ ડિલીટ કરતાં નવો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે પોસ્ટમાં દર્શાવાયેલા પરીક્ષણના પરિણામમાં ઈથેનોલનું પ્રમાણ 33 ટકા સુધી દેખાતું હતું. જોકે, આ આંકડાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

મૈસુરુના ટેસ્ટ અંગે BPCLની પોસ્ટ પર સવાલો

ભારત પેટ્રોલિયમ હાલમાં X પર ‘MythVsFact’ અભિયાન ચલાવી રહી છે, જેમાં કંપની કર્ણાટક સરકારના E20 પેટ્રોલ અંગેના દાવાઓનો જવાબ આપી રહી છે. રવિવારે કંપનીએ મૈસુરુના એક પેટ્રોલ પંપ પર થયેલા પરીક્ષણનો ઉલ્લેખ કરતી પોસ્ટમાં દાવો કર્યો હતો કે પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ નિર્ધારિત 20 ટકાની મર્યાદામાં હતું. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટમાં દર્શાવાયેલા આંકડા સામે સવાલ ઉઠાવ્યા અને ઈથેનોલનું પ્રમાણ 33 ટકા સુધી હોવાનું જણાતું હોવાનો દાવો કર્યો હતો. વિવાદ વધતાં કંપનીએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, પરંતુ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ મામલે યુઝર્સ કંપની અને સરકાર પાસેથી સ્પષ્ટતા માગી રહ્યા છે.

કર્ણાટક સરકારનો દાવો: 63 સેમ્પલમાં 20 ટકાથી વધુ ઈથેનોલ

આ વિવાદની શરૂઆત કર્ણાટકની કોંગ્રેસ સરકારના દાવા બાદ થઈ હતી. રાજ્ય સરકારે આરોપ લગાવ્યો હતો કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલમાં નિર્ધારિત 20 ટકાથી વધુ ઈથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL), શેલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)ના પેટ્રોલ પંપ પરથી કુલ 63 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસમાં આ સેમ્પલમાં ઈથેનોલનું પ્રમાણ 20 ટકાની મર્યાદા કરતાં વધુ હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરાયો છે. આ આરોપોને પગલે વાહનચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

કેરળના ચાર જિલ્લામાં પેટ્રોલના સેમ્પલની તપાસ

કર્ણાટકના દાવા બાદ કેરળમાં પણ પેટ્રોલ પંપ પર રેન્ડમ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં તિરુવનંતપુરમ, એર્નાકુલમ, કોઝિકોડ અને કન્નૂર એમ ચાર જિલ્લામાં સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. મંત્રી અનૂપ જેકબના જણાવ્યા મુજબ, પ્રથમ તબક્કાની તપાસમાં કંઈ શંકાસ્પદ જણાશે તો અન્ય વિસ્તારોમાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવશે. પેટ્રોલના સેમ્પલ સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે અને તેના પરિણામો 10 દિવસમાં મળવાની અપેક્ષા છે.

કેરળની કોંગ્રેસના નેતૃત્વવાળી UDF સરકારે ચેતવણી આપી છે કે જો પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઈથેનોલનું મિશ્રણ અથવા અન્ય નિયમોનું ઉલ્લંઘન જણાશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડ્યે પેટ્રોલ પંપ સીલ કરવા અને જવાબદારો સામે કેસ ચલાવવાની પણ ચેતવણી આપવામાં આવી છે.



આ પણ વાંચો :-