ગોધરા, પંચમહાલ (નવાઝ શેખ):-

Kalam Ki Sarkar News / Vapi / Pardi: વલસાડ જિલ્લાના પારડીમાં પ્રતિબંધિત દવાઓની ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા પારડીના મુખ્ય બજારમાં આવેલી દવાની દુકાન અને બાલાખાડી સ્થિત બીના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કફ સિરપની 1,200 બોટલ અને 14,400 ટેબ્લેટ સહિત રૂ.1.17 કરોડથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો તથા એક બાઇક જપ્ત કરવામાં આવી હતી. પોલીસે નરેન્દ્રસિંહ જબ્બરસિંહ પુરોહિતની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, SOGના PSI યોગેશ હડિયાને મળેલી બાતમીના આધારે ટીમે શુક્રવારે પારડીના મુખ્ય બજારમાં આવેલી દવાની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. ત્યાં હાજર નરેન્દ્રસિંહ પુરોહિતની પૂછપરછ અને દુકાનની તપાસ દરમિયાન પ્રતિબંધિત દવાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે બાલાખાડીના બીના એપાર્ટમેન્ટમાં આવેલા તેના ફ્લેટ પર પણ દરોડો પાડ્યો હતો.
ફ્લેટમાંથી પ્રતિબંધિત વેકન-ડી કફ સિરપની બોટલો તેમજ આલ્પ્રાઝોલમ, ડાયસાયક્લોમાઇન, હાઇડ્રોક્લોરાઇડ, ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ અને એસિટામિનોફેન સહિતની દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ દવાઓ જરૂરી પરવાનગી અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સુરતમાં રહેતા રાજેન્દ્ર પુરોહિત પાસેથી મેળવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે કફ સિરપની 1,200 બોટલ, 14,400 ટેબ્લેટ સહિત કુલ રૂ.1.17 કરોડથી વધુનો મુદ્દામાલ અને બાઇક જપ્ત કરી નરેન્દ્રસિંહ પુરોહિતની ધરપકડ કરી છે. આ મામલે પારડી પોલીસે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી મુખ્ય સૂત્રધાર ક્રિપાલ જબ્બરસિંહ પુરોહિત અને રાજેન્દ્ર પુરોહિતને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને તેનો ભાઈ ક્રિપાલ છેલ્લા 6થી 7 વર્ષથી ગુપ્ત રીતે પ્રતિબંધિત દવાઓનો જથ્થો મંગાવી વિવિધ સ્થળોએ તેનું વેચાણ કરતા હોવાની આશંકા છે. પોલીસે આ નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
