એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

ચાર ચાર વર્ષથી વળતર માટે સરકારી કચેરીઓના ધક્કા ખાતા ખેડૂતે એકતાનગર ખાતે BSNL ના ટાવર ઉપર ચડી તંત્રની પોલ ખુલ્લી પાડી
BSNL ના ટાવર ઉપર ચડી વિરોધ પ્રદર્શન કરતા ખેડૂત ના વાવડ ની જાણ થતા ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ દોડી આવ્યા
સમજાવટને અંતે આદિવાસી ખેડૂતને ધારાસભ્ય ડૉ દર્શનાબેન દેશમુખે ટાવર થી નીચે ઉતારી તેના પ્રશ્નોની ગંભીર નોંધ લઇ નિકાલ લાવવાની હૈયા ધરપત આપી
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવેલ છે એ એકતા નગર કેવડિયા કોલોની આજરોજ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. એકતા નગર કેવડીયા કોલોની ખાતે વસવાટ કરતા એક આદિવાસી ખેડૂતે BSNL ના ટાવર ઉપર ચડી આત્મહત્યા કરવાની ચીમકી આપી હતી. જેથી વહીવટી તંત્રમાં ભારે તો દોડધામ મચી જવા પામી હતી, અંતે રાજપીપળા ના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ની સમજાવટ થી આદિવાસી ખેડૂત ટાવર ઉપરથી નીચે ઉતર્યો હતો.
સમગ્ર બનાવની વાત કરીએ તો આજરોજ એકતા નગર કેવડિયા ગામ ખાતે રહેતા ગણપતભાઈ શંકરભાઈ તડવી જમીન વળતરની માગણી ને લઈને ટાવર પર ચઢી આત્મહત્યાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો, જેને કુતુહલ વશ જોવા એકતા નગર કેવડિયા કોલોની ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા.
BSNL ના ટાવર ઉપર ચડી પોતાના જીવનો દુશ્મન બનેલ આદિવાસી ખેડૂત છેલ્લા ચાર ચાર વર્ષથી તેની જમીનના વળતર માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર વહીવટદારની કચેરી સહિત રાજપીપળા પ્રાંત કચેરીમાં ધક્કા ખાતો પરંતુ તેને વળતરની રકમ આજદિન સુધી ન મળતા તેણે આત્મહત્યા કરવાનું મન બનાવ્યુ હતું. આજરોજ સવારે એકતાનગર ખાતેના BSNL ના ટાવર ઉપર ચડ્યો હતો અને સૌના આકર્ષણનો કેન્દ્ર બન્યો હતો.
BSNL ના ટાવર ઉપર ચડી એક ઈસમ વિરોધ પ્રદર્શન અને આત્મહત્યા કરતો હોવાની જાણ થતા એકતા નગર પોલીસ સહિત વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડ ની ટીમ પણ ટાવર પાસે પહોંચી હતી, સ્થાનિક લોકોએ ટાવર ઉપર ચડેલ ઈસમ ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે એક નો બે થયો ન હતો, આ બનાવ ની જાણ નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ને થતાં તેઓ તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા, તેમની સમજાવટ થી આદીવાસી ખેડુત ગણપતભાઈ તડવી ટાવર પરથી નીચે આવ્યો હતો.
ધારાસભ્ય ડૉ દર્શનાબેન દેશમુખે આ મુદ્દાની આદીવાસી ખેડૂત સાથે વિગતવાર ચર્ચા કરી તેની સમગ્ર માંગણી ઓનું સુખદ સમાધાન થાય તે માટે આયોજન કર્યું હતું, અને આદીવાસી ખેડૂત ને તેની સમસ્યા નું હલ લાવવાની હૈયા ધરપત આપી હતી. જે પ્રસંગે તેઓ સાથે સાથે ગરુડેશ્વર મંડલ પ્રમુખ શ્રવણભાઈ તડવી, પદમબાબુ તડવી, જયપ્રકાશ તડવી, રણજીતભાઇ તડવી (મહાકાળી), દિનેશભાઈ તડવી(કલીમકવાના), અનુરુદ્ધસિંહ ગોહિલ(જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષ), સુરેશભાઈ વસાવા(જિલ્લા ભાજપા મંત્રી) સાથે રહ્યા હતા.