ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
18 દિવસથી અનશન પર બેઠેલા વાંગચુકની તબિયત બગડતા હાઈકોર્ટે કેસને ‘અર્જન્ટ’ ગણાવ્યો; હોસ્પિટલમાં દાખલ કરવાની માંગ

નવી દિલ્હી: સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના ચાલુ અનશનને લઈને દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ હસ્તક્ષેપ કર્યો છે. વાંગચુકનું અનશન સમાપ્ત કરાવવા માટે દાખલ થયેલી જાહેરહિતની અરજી (PIL) પર સુનાવણી કરતાં કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે અને આવતીકાલ સુધીમાં જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
વાંગચુક છેલ્લા 18 દિવસથી અનશન પર હોવાથી તેમની તબિયત સતત બગડી રહી છે. આ પરિસ્થિતિને ગંભીર ગણાવી હાઈકોર્ટે કેસને ‘અર્જન્ટ’ તરીકે નોંધ્યો અને તાત્કાલિક સુનાવણી હાથ ધરી હતી.
અરજદારના વકીલે દલીલ કરી હતી કે, સોનમ વાંગચુક પોતાના લોકશાહી અધિકારનો ઉપયોગ કરીને શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે, પરંતુ લાંબા સમયથી અનશનને કારણે તેમનું સ્વાસ્થ્ય ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યું છે. તેમણે અદાલતને વિનંતી કરી કે વાંગચુકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી જરૂરી સારવાર આપવામાં આવે અને તેમનું અનશન સમાપ્ત કરાવવા માટે સરકારને યોગ્ય સૂચના આપવામાં આવે.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ હાજર નહોતો, તેથી કેન્દ્ર અને દિલ્હી સરકારને આવતીકાલે સવારે પોતાનો જવાબ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે આદેશની નકલ સંબંધિત અધિકારીઓને પહોંચાડવા પણ નિર્દેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જંતર-મંતર પર સોનમ વાંગચુકે 28 જૂનથી અનશનની શરૂઆત કરી હતી. છેલ્લા 18 દિવસમાં તેમનું અંદાજે 8 કિલો વજન ઘટ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે અને હાલ તેઓ ચાલવા-ફરવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
આ દરમિયાન મમતા બેનર્જી, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ સહિત અનેક રાજકીય નેતાઓએ સોનમ વાંગચુકને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જંતર-મંતર પર વિવિધ નેતાઓ અને સમર્થકોની અવરજવર પણ વધી છે.
