ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
સપ્તશૃંગી દર્શન કરીને પરત ફરી રહેલા પાંચ યાત્રિકો અકસ્માતનો ભોગ બન્યા; એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

વાપી: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સાવલઘાટ વિસ્તારમાં મંગળવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં સરીગામ અને સેલવાસના મહિલા સહિત ચાર લોકોના કરુણ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત એટલો ભીષણ હતો કે બે કન્ટેનર વચ્ચે ઇકો કાર ફસાઈ જતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સરીગામના બોન્ડપાડા અને સેલવાસના પાંચ લોકો સપ્તશૃંગી મંદિરે દર્શન કરીને ઇકો કારમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નાસિકના પેઠ પોલીસ મથક હદમાં આવેલા સાવલઘાટ પાસે એક કન્ટેનરની બ્રેક ફેલ થતાં તેણે ઇકો કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ કાર સામેથી આવી રહેલા બીજા કન્ટેનર સાથે અથડાતાં બંને ભારે વાહનો વચ્ચે ફસાઈ ગઈ હતી.
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા પાંચેય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે હોસ્પિટલમાં ખસેડાયેલા બેમાંથી એક વ્યક્તિએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. એક વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મૃતકોમાં *અંબુ છગનભાઈ વળવી (સરીગામ), રાજર્જાયા ધાકલભાઈ તુમડા (સેલવાસ), કૌશલ્યાબેન રમેશભાઈ કાકડ (સેલવાસ) અને રમણભાઈ ધર્માભાઈ ચીમન્યા (કપરાડા)*નો સમાવેશ થાય છે. જ્યારે ખાલપાઢેડિયાભાઈ ભુરકુડ (સેલવાસ) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
ઘટના અંગે પેઠ પોલીસે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.
