‘મેટ્રો-ઇન્ટરનેટ-રસ્તા બંધ કર્યા, પણ પેપર લીક નહીં રોકી શક્યા’: રાહુલ ગાંધીનો PM મોદી પર આકરો પ્રહાર…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હીના 18 મેટ્રો સ્ટેશનો બંધ રાખવાનો નિર્ણય લેવાતા કોંગ્રેસના લોકસભા સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “મેટ્રો બંધ કરો, રસ્તા બંધ કરો, દુકાનો બંધ કરો, ઇન્ટરનેટ બંધ કરો… પરંતુ વડાપ્રધાન મોદીથી પેપર લીક બંધ ન થઈ શક્યું.” તેમણે આરોપ લગાવ્યો કે સરકાર મૂળ સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પહેલા પણ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીની ટીકા કરતાં જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ રીતે તિરંગા સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.

તેમણે દાવો કર્યો કે પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળો દ્વારા પેલેટ ગનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં એક વિદ્યાર્થીની આંખને ગંભીર ઈજા પહોંચી અને તેની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર ભલે આવા આરોપોને નકારે, પરંતુ ઘટનાની હકીકત દેશ સામે છે.

રાહુલ ગાંધીએ ફરી એકવાર પેપર લીકના મુદ્દે જવાબદારી નક્કી કરવાની, દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની અને વિદ્યાર્થીઓની ચિંતાઓને ગંભીરતાથી સાંભળવાની માંગ કરી છે.



આ પણ વાંચો :-