ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ઝાલોદ રોડથી ગામમાં જતા માર્ગના નિર્માણ કાર્યને લઈને ગ્રામજનોએ રસ્તાની પહોળાઈમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, R&B વિભાગ દ્વારા ઝાલોદ રોડથી ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગ અને ગટરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. જોકે ઝાલોદ રોડની બહારના ભાગમાં રસ્તાની પહોળાઈ 14 મીટર રાખવામાં આવી રહી છે, જ્યારે ગામમાં પ્રવેશતા જ તે ઘટાડીને માત્ર 7 મીટર કરવામાં આવી રહી છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગામની અંદર બંને બાજુ આવેલા દબાણો દૂર કર્યા વિના જ 7 મીટરની પહોળાઈ નક્કી કરવામાં આવી રહી છે, જેના કારણે વિકાસ કાર્યમાં ભેદભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો અને ગ્રામજનોએ આ કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો છે.
ગ્રામજનોની માંગ છે કે ઝાલોદ રોડ પર જેટલી 14 મીટરની પહોળાઈ રાખવામાં આવી રહી છે, તેટલી જ પહોળાઈ ગામની અંદર પણ દબાણ દૂર કરીને રાખવામાં આવે. તેમના કહેવા મુજબ જો બહારથી આવતો 14 મીટરનો રસ્તો ગામમાં પ્રવેશતા જ 7 મીટર થઈ જશે તો ભવિષ્યમાં ટ્રાફિક જામ, અકસ્માતો અને વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે, જે સરકારી નાણાંનો બગાડ સાબિત થશે.
આવેદનપત્રમાં ગ્રામજનોએ માંગ કરી છે કે હાલનું નિર્માણ કાર્ય તાત્કાલિક અટકાવવામાં આવે, ગામની અંદરના દબાણો દૂર કરીને સમાન પહોળાઈનો રસ્તો બનાવવામાં આવે તેમજ ગામજનોની હાજરીમાં ફરીથી સ્થળની માપણી કરવામાં આવે. ઉપરાંત, આ મુદ્દે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું બાંધકામ અથવા કોન્ટ્રાક્ટરને ચૂકવણી ન કરવામાં આવે.
ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આગામી 15 દિવસમાં તેમની રજૂઆતનો યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ જિલ્લા કલેક્ટર કચેરી સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી આગામી લડત શરૂ કરશે.
