ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સુરેલી ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ અંગે માહિતગાર કરવા ‘કિસાન ગોષ્ઠી’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને ઓછી ખર્ચાળ, પર્યાવરણમૈત્રી અને ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ભાવિન મહેતાએ પ્રાકૃતિક કૃષિના મહત્વ અને તેના પાંચ મુખ્ય આયામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી યોગેશ જી. પટેલએ જીવામૃત અને ધન જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ, તેનો ઉપયોગ તથા પ્રાકૃતિક ખેતીમાં તેના લાભો અંગે વ્યવહારુ માહિતી આપી હતી.
આ ઉપરાંત આત્મા પ્રોજેક્ટ (શહેરા)ના ATM શ્રી ગણપત એ. પટેલએ ખેડૂતો માટે અમલમાં રહેલી વિવિધ સરકારી યોજનાઓ તેમજ આત્મા પ્રોજેક્ટની કામગીરી અને તેના લાભો વિશે માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ટીપીએમ શ્રી સચિન પરમાર, ખેતી મદદનીશ શ્રી અશોક પટેલીયા, સુરેલી ક્લસ્ટરના CRP તેમજ કૃષિ સખીઓએ મહત્વપૂર્ણ આયોજન અને સંકલન કર્યું હતું. ગોષ્ઠીમાં મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રાકૃતિક ખેતી સંબંધિત પોતાના પ્રશ્નોના નિરાકરણ સાથે ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું.
