ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
કિશોરી આરોગ્ય, પોષણ, ઇમરજન્સી સેવાઓ અને સરકારી આરોગ્ય યોજનાઓ અંગે નિષ્ણાતો પાસેથી મળ્યું માર્ગદર્શન

પંચમહાલ: કિશોરીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને સરકારી આરોગ્ય સેવાઓ અંગે વ્યવહારુ સમજ વિકસે તે હેતુથી બાલિકા પંચાયત જાંબુઘોડા દ્વારા વિશેષ શૈક્ષણિક ક્ષેત્ર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્ર જાંબુઘોડાના સહયોગથી બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC), જાંબુઘોડાની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં બાલિકા પંચાયતની દીકરીઓ ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો પણ જોડાયા હતા. CHC ખાતે ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત કરાવી તેમની કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી.

મુલાકાત દરમિયાન દીકરીઓને પ્રસૂતિ અને શસ્ત્રક્રિયા વિભાગ અંગેની પ્રાથમિક માહિતી, કિશોરાવસ્થામાં થતા શારીરિક અને માનસિક ફેરફારો, સંતુલિત પોષણનું મહત્વ, દવા વિતરણ વ્યવસ્થા, ડ્રેસિંગ રૂમની કામગીરી, નિઃશુલ્ક સારવાર અને દવા સેવાઓ, ઇમરજન્સી સારવાર, રક્તદાનનું મહત્વ તેમજ કુપોષિત બાળકો માટે ઉપલબ્ધ વિશેષ સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત હોસ્પિટલના તબીબોએ કિશોરી આરોગ્ય, દૈનિક આરોગ્ય સેવાઓ અને સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંગે સરળ ભાષામાં માહિતી આપી દીકરીઓને આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત બનવા પ્રેરિત કરી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત દીકરીઓને સન્માનપૂર્વક *’દીકરી વધામણા કીટ’*નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ક્ષેત્ર મુલાકાત દીકરીઓ માટે માત્ર માહિતીપ્રદ જ નહીં, પરંતુ આરોગ્ય અંગેની સમજ વધારવા અને નેતૃત્વ ક્ષમતા વિકસાવવામાં પણ ઉપયોગી સાબિત થઈ હતી.
