ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
મકાન માલિકો, ઔદ્યોગિક એકમો અને લેબર કોન્ટ્રાક્ટરો માટે નવા નિયમો લાગુ; ભાડુઆત અને કામદારોની વિગતો પોલીસમાં નોંધાવવી ફરજિયાત

પંચમહાલ: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સલામતી વધુ મજબૂત બનાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે. જે. દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ હવે પંચમહાલ જિલ્લામાં કોઈપણ મકાન, દુકાન અથવા ગોડાઉન ભાડે આપતા પહેલાં સંબંધિત મકાન માલિકે સ્થાનિક પોલીસ સ્ટેશનને જરૂરી માહિતી આપવી ફરજિયાત રહેશે.
જાહેરનામા અનુસાર મકાન માલિકે પોતે અથવા એજન્ટ મારફતે ભાડે આપેલી મિલકતની સંપૂર્ણ વિગતો, મકાન માલિક તથા ભાડે આપવાની સત્તા ધરાવતી વ્યક્તિની માહિતી, ભાડુઆતના ફોટા સાથેનું નામ-સરનામું, ભાડાની તારીખ, માસિક ભાડું તેમજ ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવવાની રહેશે.
આ ઉપરાંત ઔદ્યોગિક એકમો, વ્યાવસાયિક સંસ્થાઓ, ઈંટ ભઠ્ઠાના સંચાલકો અને લેબર કોન્ટ્રાક્ટરોને પણ બહારના રાજ્ય કે અન્ય વિસ્તારના કામદારોને રોજગાર અથવા રહેઠાણ આપતા પહેલાં તેમની ઓળખ, ફોટો, સરનામું અને ઓળખપત્ર સહિતની વિગતો પોલીસમાં રજૂ કરવી પડશે. સાથે જ કામદારોને રહેઠાણ, પાણી, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે કે નહીં તેની માહિતી પણ આપવી ફરજિયાત રહેશે.
જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલ આ આદેશ તા. 12 સપ્ટેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
