અમદાવાદ બ્લાસ્ટમાં 10 જીવ ગયા, સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા માટે જવાબદાર કોણ?

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અજય ડામોરનું નિધન; 4 ઈજાગ્રસ્ત હજુ સારવાર હેઠળ, એક મહિલાની હાલત ગંભીર

અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં વધુ એક ઈજાગ્રસ્ત શ્રમિકનું સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 10 થયો છે. ગંભીર રીતે દાઝેલા અજય ડામોરનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે.

95 ટકા દાઝેલા દર્દીનું સારવાર દરમિયાન મોત

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ કુલ પાંચ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા અને ચાર પુરુષોનો સમાવેશ થતો હતો. તેમાં એક પુરુષ 95 ટકાથી વધુ અને મહિલા લગભગ 75 ટકાથી વધુ દાઝેલા હોવાથી બંનેને ICUમાં સારવાર આપવામાં આવી રહી હતી. જોકે, ગંભીર રીતે દાઝેલા પુરુષ દર્દી અજય ડામોરનું સારવાર દરમિયાન મોત થયું છે.

હજુ 4 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

હાલ હોસ્પિટલમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં એક મહિલાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. તમામ દર્દીઓને સતત તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

પરવાનગી અને સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલ

દુર્ઘટના બાદ ફટાકડા ફેક્ટરીને મળેલી મંજૂરી, ફાયર સેફ્ટી નિયમોનું પાલન, NOCની પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાઓને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની તપાસ દરમિયાન સંબંધિત વિભાગોની કામગીરી અને જવાબદારીની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

તપાસ શરૂ, જવાબદારી નક્કી કરવાની માંગ

આ ગંભીર અકસ્માત બાદ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિત પરિવારો અને સ્થાનિક લોકો દ્વારા દુર્ઘટનાના કારણોની પારદર્શક તપાસ તેમજ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરવામાં આવી છે, જ્યારે તપાસ અહેવાલ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.



આ પણ વાંચો :-