ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-
આણંદ જિલ્લાના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો
વર્ષોથી ચાલતી આવતી આપણી ખેલ સંસ્કૃતિને જીવંત રાખવા અને વિવિધ રમતોના રમતવીરોને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી આજ તા-12/11/2025 ને બુધવારના રોજ આણંદના રામપુરા સ્થિત સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025 નું ભવ્ય ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
આ પ્રસંગે આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, આણંદ ભાજપા સંગઠનના મંત્રીશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ, આણંદ જિલ્લાના જીલ્લા રમત ગમતના અધિકારીશ્રીઓ, જીલ્લા યુવા અધિકારીશ્રીઓ અને વિવિધ રમતોના કોચશ્રીઓ, આણંદ જિલ્લાના ખૂબ મોટી સંખ્યામાં રમતવીરો તથા પંચમહાલ-ગોધરાથી ખૂબ મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહી આયોજનની શોભા વધારેલ હતી. આ પ્રસંગે રમતવીરોએ ખુબ જ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો.
તા.12/11/2025 થી તા. 20/11/2025 સુધી ચાલનાર આ ખેલ મહોત્સવમાં બેડમિન્ટન, હેન્ડબોલ, વુડબોલ, ટગ ઓફ વોર, આર્ચરી, ખો-ખો, યોગાસન અને ફૂટબોલ જેવી 8 રમતો માટે કુલ 567 જેટલા રમતવીરોએ ઓનલાઇન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલ હતું. ફાઇનલ વિજેતા ટીમોને રાજ્યસભા સાંસદ ડૉ જશવંતસિંહ પરમાર સાહેબ તરફથી ઇનામ/ટ્રોફી આપવામાં આવનાર છે. રમતવીરો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા, રમત રમાડનાર રેફરી મિત્રો માટે પણ રહેવા-જમવા સહિતની ખૂબ સુંદર વ્યવસ્થા રાજ્યસભા સાંસદશ્રીએ કરેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે.
સમગ્ર ખેલ મહોત્સવને સફળ બનાવવા માટે રાજ્યસભા સાંસદશ્રીએ ખાસ અંગત રસ લઈ આયોજન કરેલ છે. આણંદ અને પંચમહાલ જિલ્લાના રમતપ્રેમી મિત્રોના સહયોગથી આ ખેલ મહોત્સવ સફળ બને તેવી અભ્યર્થના…..