પાસપોર્ટ વેરિફિકેશનમાં મોટો ફેરફાર: અરજદારોને હવે પોલીસ સ્ટેશન બોલાવવામાં નહીં આવે, DGPનો આદેશ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસની જ થશે ચકાસણી; શંકાસ્પદ કેસમાં જ પોલીસ ઘર સુધી પહોંચશે

અમદાવાદ: ગુજરાતમાં પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને નાગરિકમૈત્રી બનાવવા રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ સ્ટેશનોને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. નવા આદેશ મુજબ, પાસપોર્ટ માટે અરજી કરનાર નાગરિકોને હવે નિયમિત રીતે પોલીસ સ્ટેશન રૂબરૂ બોલાવવામાં આવશે નહીં.

નવી માર્ગદર્શિકા અનુસાર, પોલીસ દ્વારા માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસ અંગે જ ચકાસણી કરવામાં આવશે. રહેઠાણના સરનામાની અલગથી તપાસ કરવાની જરૂર રહેશે નહીં. તેમજ અરજદારને રૂબરૂ હાજર રહેવા કે સહી આપવા માટે પણ બોલાવવામાં આવશે નહીં.

જો કોઈ કેસમાં શંકાસ્પદ પરિસ્થિતિ ઉભી થાય અથવા વધુ તપાસની જરૂર જણાય, તો જ પોલીસ અધિકારીઓ અરજદારના રહેઠાણે જઈ તપાસ કરશે. આવા સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની મંજૂરી રહેશે નહીં.

રાજ્ય પોલીસ મહાનિર્દેશક (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને સંબંધિત અધિકારીઓને આ નવી પ્રક્રિયાનું કડક પાલન કરવા સૂચના આપી છે. સાથે જ નાગરિકોને પણ આ સુધારેલી વ્યવસ્થાની જાણકારી રાખવા અને બિનજરૂરી પ્રક્રિયાથી બચવા અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં પણ પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન રૂબરૂ ન બોલાવવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તેમ છતાં હવે ફરી એકવાર રાજ્ય પોલીસ વડાએ સમાન પ્રકારનો આદેશ જાહેર કરતાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.



આ પણ વાંચો :-