ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
કડા ડેમ, સૂકી નદી અને વણકબોરી ડેમ સહિતના વિસ્તારોમાં ફ્લડ મોનિટરિંગ તેજ; સંભવિત અસરગ્રસ્ત ગામો પર સતત નજર

પંચમહાલ: ભારતીય હવામાન વિભાગ દ્વારા પંચમહાલ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના માર્ગદર્શન હેઠળ ભારે વરસાદથી સર્જાઈ શકે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF, SDRF અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાં મેદાની નિરીક્ષણ અને ફ્લડ મોનિટરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જિલ્લા તંત્ર દ્વારા સંભવિત જોખમવાળા વિસ્તારોમાં પરિસ્થિતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય. સાથે જ નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
જાંબુઘોડા તાલુકામાં મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ SDRFની ટીમ દ્વારા કડા ડેમ અને સૂકી નદીના કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારોનું સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદની સ્થિતિમાં પાણીના પ્રવાહ અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સ્થળ પર જરૂરી આકારણી હાથ ધરવામાં આવી હતી.
તે જ રીતે ગોધરા શહેરમાં NDRF અને ગોધરા નગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત રીતે શહેરના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની ઓળખ કરી જરૂરી પૂર્વ તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી.
શહેરા તાલુકામાં પણ સ્થાનિક વહીવટી તંત્ર અને NDRFની ટીમ દ્વારા વણકબોરી ડેમ તેમજ તેનાથી અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોનું વિસ્તૃત સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં નાથુજીના મુવાડા, વાડી, વલ્લભપુર, સાદરા, ખરોલી, બિલીથા, ભીમથળ, બોરડી, વાહકા અને પોયડા સહિતના ગામોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના નિર્દેશ અનુસાર સમગ્ર જિલ્લામાં તમામ સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા તંત્રે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે ભારે વરસાદ દરમિયાન નદી, નાળા, ડેમ અને નીચાણવાળા વિસ્તારોની નજીક જવાનું ટાળે, વહેતા પાણીમાં વાહન પસાર કરવાનો પ્રયાસ ન કરે અને માત્ર વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી અધિકૃત સૂચનાઓનું જ પાલન કરે. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જરૂરી હોય ત્યાં તાત્કાલિક બચાવ અને સ્થળાંતરની કાર્યવાહી માટે તમામ ટીમોને તૈયાર રાખવામાં આવી છે.
