ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ CJPનું આંદોલન યથાવત, અભિજીત દીપકેએ બાકી રહેલી બે માંગણીઓ દોહરાવી…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલું CJPનું વિદ્યાર્થી આંદોલન સમાપ્ત થશે. જોકે, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રમુખ અભિજીત દીપકેએ સ્પષ્ટ કર્યું છે કે તેમની બાકી રહેલી બે મુખ્ય માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

શનિવારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર સામે આવ્યા બાદ જંતર-મંતર પર અનશન પર બેઠેલા અભિજીત દીપકેએ આ નિર્ણયને લોકશાહીની જીત ગણાવ્યો, પરંતુ સાથે જ આગામી લડત અંગે પણ સ્પષ્ટ સંદેશ આપ્યો.

અભિજીત દીપકે જણાવ્યું કે તેમની પ્રથમ માંગણી એ છે કે પેપર લીક વિવાદને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર આપવામાં આવે. બીજી માંગણી મુજબ 20 જુલાઈના રોજ વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરનાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 36 દિવસથી અનેક લોકો કહેતા હતા કે સરકાર ક્યારેય રાજીનામું નહીં લે, પરંતુ અડગ સંઘર્ષ અને દૃઢ ઇચ્છાશક્તિ સામે આખરે સરકારે નિર્ણય બદલવો પડ્યો. તેમણે કહ્યું કે લોકશાહીમાં ડર્યા વગર પોતાના હક્ક માટે લડવું જરૂરી છે.

અભિજીત દીપકે વધુમાં માંગ કરી કે 20 જુલાઈ બાદ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા તમામ કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને ઘટનામાં સામેલ અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તેમણે દાવો કર્યો કે આ સમગ્ર આંદોલન લોકશાહીની શક્તિ અને વિદ્યાર્થીઓની એકતાનું પ્રતિક છે.



આ પણ વાંચો :-