નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઈકોર્ટનો સરકારને કડક સવાલ, ‘સુરત મનપા કમિશનર સામે કાર્યવાહી કેમ નહીં?’

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

26 પીડિતોની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટની સરકારને ટકોર, નાના અધિકારીઓ પર કાર્યવાહી અને મોટા અધિકારીઓને બચાવવાનો આક્ષેપ

અમદાવાદ: સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદિત ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને કડક ટકોર કરવામાં આવી છે. ડિમોલિશનથી પ્રભાવિત 26 લોકોએ ન્યાય માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવતા કોર્ટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અંગે સરકારને સવાલો પૂછ્યા. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના કમિશનર હજુ સુધી હોદ્દા પર કેમ છે અને તેમના સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે મુદ્દે કોર્ટે ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો.

‘મોટા અધિકારીઓ બચી જાય છે, નાના કર્મચારીઓ પર કાર્યવાહી થાય છે’

સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે સુરત મનપા કમિશનરનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના જવાબમાં હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, કોર્ટ સામે હકીકતો છુપાવી શકાતી નથી. કોર્ટે નોંધ્યું કે ઘણી વખત નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે મુખ્ય જવાબદારો બચી જાય છે, જે સ્વીકાર્ય નથી.

અગાઉની સુનાવણીમાં પણ કોર્ટે ઉઠાવ્યા હતા ગંભીર સવાલો

2 જુલાઈએ થયેલી સુનાવણી દરમિયાન પણ હાઈકોર્ટે કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા તપાસ અહેવાલ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે માત્ર નીચલા સ્તરના કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી જવાબદારી પૂર્ણ થતી નથી.

સરકારે દલીલ કરી હતી કે સમગ્ર ઘટનામાં રાજ્ય સરકાર સીધી રીતે જવાબદાર નથી. તેના જવાબમાં કોર્ટે જણાવ્યું હતું કે આટલી મોટી કાર્યવાહી સરકારની જાણ બહાર થઈ શકે નહીં અને જવાબદારીથી દૂર રહી શકાય નહીં.

ડિમોલિશન દરમિયાન અધિકારીઓની હાજરી પર પણ સવાલ

કોર્ટે પૂછ્યું હતું કે જ્યારે મોટી સંખ્યામાં મકાનો તોડી પાડવામાં આવી રહ્યા હતા ત્યારે કોર્પોરેશન, પોલીસ અને અન્ય વિભાગોના અધિકારીઓ શું કરી રહ્યા હતા? કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના કાર્યવાહી કેવી રીતે હાથ ધરાઈ તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી.

સરકારે સ્વીકાર્યું હતું કે ડિમોલિશનની પ્રક્રિયામાં ગંભીર ખામીઓ રહી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશને પણ કોર્ટ સમક્ષ કબૂલ્યું હતું કે ઘટનાની પ્રક્રિયામાં ભૂલો થઈ હતી અને જવાબદારી નક્કી કરવા તપાસ ચાલુ છે.

હાઈકોર્ટના મુખ્ય પ્રશ્નો

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અનેક મહત્વના સવાલો પૂછ્યા હતા, જેમાં—

  • સુરત મનપાના કર્મચારીઓ ઘટનાસ્થળે શા માટે હાજર હતા?
  • સંબંધિત અધિકારીઓ સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી?
  • પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં કેમ વિલંબ થયો?
  • ડિમોલિશન સમયે કયા અધિકારીઓ હાજર હતા?
  • ટોરેન્ટ પાવરે કોના આદેશથી વીજ પુરવઠો બંધ કર્યો?
  • સંબંધિત વિભાગોએ અત્યાર સુધી કયા પગલાં લીધા?

26 પીડિતોએ હાઈકોર્ટમાં ન્યાયની માંગ કરી

નાસીરનગર ડિમોલિશનથી પ્રભાવિત 26 લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજદારો દ્વારા રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર, એસઓજીના અધિકારીઓ તેમજ ટોરેન્ટ પાવર કંપનીને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. કેસની આગામી સુનાવણીમાં કોર્ટ સરકાર અને સંબંધિત વિભાગોના જવાબો પર વધુ વિચારણા કરશે.



આ પણ વાંચો :-