‘યુવાનોના પ્રશ્નોના જવાબે લાઠીચાર્જ કેમ?’: CJP આંદોલન મુદ્દે રાહુલ ગાંધીનો મોદી સરકાર પર આકરો પ્રહાર…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને કોંગ્રેસનું કેન્દ્ર સરકાર પર નિશાન; પ્રિયંકા ગાંધીએ પણ સંવાદની જરૂરિયાત પર ભાર મૂક્યો

નવી દિલ્હી: દિલ્હીમાં CJP દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “દેશના ઈતિહાસના સૌથી યુવા વિરોધી વડાપ્રધાન” ગણાવતા આરોપ લગાવ્યો કે શિક્ષણ વ્યવસ્થાના પ્રશ્નો ઉઠાવનારા વિદ્યાર્થીઓને જવાબ તરીકે લાઠીચાર્જ અને અટકાયત મળી રહી છે.

રાહુલ ગાંધીનો સરકાર પર નિશાન

રાહુલ ગાંધીએ કહ્યું કે, “152 પેપર લીક થયા, કરોડો વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા, છતાં જવાબદાર સામે કાર્યવાહી થઈ નથી. શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ કરનારા વિદ્યાર્થીઓને લાઠીઓ અને અટકાયત મળી રહી છે, જ્યારે દોષિતો ખુલ્લેઆમ ફરી રહ્યા છે.” તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે સરકાર યુવાનોના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

પ્રિયંકા ગાંધી: ‘લાઠી નહીં, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરો’

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ કેન્દ્ર સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાને બદલે સરકાર પોતાની શિક્ષણ નીતિઓ અને પરીક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરે. તેમણે NEET સહિતની પરીક્ષાઓમાં વારંવાર સામે આવતી ગેરરીતિઓ પર સંસદમાં વિસ્તૃત ચર્ચાની માંગ કરી અને વડાપ્રધાનને દેશના યુવાનોની વાત સાંભળવાની અપીલ કરી.

પોલીસની અપીલ: કાયદાનું પાલન કરો

જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે દિલ્હી પોલીસના અધિકારીઓએ પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવા અને કાયદો-વ્યવસ્થાનું પાલન કરવા અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર અથવા હિંસક પ્રવૃત્તિથી દૂર રહેવું જરૂરી છે.

કેન્દ્રીય મંત્રી સાથે CJPની બેઠક

આ દરમિયાન CJPના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ CJPએ દાવો કર્યો કે તેમની માંગણીઓને લઈને કોઈ સંતોષકારક આશ્વાસન મળ્યું નથી અને તેથી આંદોલન યથાવત રહેશે. બીજી તરફ, જે.પી. નડ્ડાએ જણાવ્યું કે સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે વાતચીતની પ્રક્રિયા શરૂ થઈ છે.



આ પણ વાંચો :-