ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ: ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે ‘આત્મા પ્રોજેક્ટ’ અંતર્ગત કિસાન ગોષ્ઠિનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી 100થી વધુ ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો અને સરકારી અધિકારીઓએ ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય સિદ્ધાંતો, રાસાયણિક ખાતરમુક્ત ખેતીના ફાયદા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો તેમજ ટકાઉ ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી ઓછા ખર્ચે વધુ નફાકારક અને સ્વસ્થ ખેતી તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગોષ્ઠિના અંતે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં કૃષિ સંબંધિત વિવિધ પ્રશ્નોના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખેડૂતોની મૂંઝવણોનું નિરાકરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં કૃષિ, બાગાયત અને સંશોધન ક્ષેત્રના અનેક અધિકારીઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નેચરલ ફાર્મિંગ એન્ડ સાયન્સ યુનિવર્સિટીના શ્રી ચેનાભાઈ પંચાલ, બાગાયત અધિકારી શ્રી કલ્પેશભાઈ પટેલ, મકાઈ સંશોધન કેન્દ્ર (ગોધરા)ના નિવૃત્ત વૈજ્ઞાનિક શ્રી કનુભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી ભાવિનભાઈ મહેતા, ATM શ્રી અલ્પેશભાઈ રાઠોડ અને કલાવતીબેન બારીયા, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના TPM શ્રી હાર્દિકભાઈ વણકર, એગ્રી આસિસ્ટન્ટ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, CRP શ્રી જયંતીલાલ પટેલ તથા કૃષિ સખી શ્રીમતી કોકિલાબેન પટેલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ગોષ્ઠિનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવાનો, વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતીને વધુ ટકાઉ બનાવવાનો અને કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ પ્રેરિત કરવાનો હતો.
