ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ, વિદ્યાર્થીનીઓએ લોકશાહી પ્રક્રિયામાં ઉત્સાહભેર લીધો ભાગ…

ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

દાહોદ જિલ્લાના ફતેપુરા નગર સ્થિત જાગૃતિ કન્યા વિદ્યાલયમાં ગુરુવાર, તા. 16 જુલાઈ 2026ના રોજ શાળા પંચાયત (બાળ સંસદ)ની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું. ચૂંટણીમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોકશાહી પ્રક્રિયાનો જીવંત અનુભવ મેળવ્યો.

સૌપ્રથમ શાળામાં મોનિટર, ઉપ-મોનિટર અને વર્ગ પ્રતિનિધિઓ માટે મતદાન યોજાયું હતું. ત્યારબાદ જનરલ સેક્રેટરી અને ઉપ-મહામંત્રી પદ માટે ચૂંટણી યોજાઈ, જેમાં વિદ્યાર્થીનીઓએ શિસ્તબદ્ધ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

ચૂંટણીના પરિણામ મુજબ ધોરણ-10ની વિદ્યાર્થીની પારગી નીલમબેન પ્રવીણભાઈ339 મત મેળવી જનરલ સેક્રેટરી તરીકે વિજય મેળવ્યો હતો. જ્યારે ધોરણ-12ની વિદ્યાર્થીની શિલ્પાબેન રાજુભાઈ પારગી336 મત મેળવી ઉપ-મહામંત્રી તરીકે વિજય હાંસલ કર્યો હતો. પરિણામ જાહેર થતાં સમગ્ર શાળામાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.

વિદ્યાર્થીનીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ આવે, મતદાનનું મહત્વ સમજે તેમજ ચૂંટણી પ્રક્રિયાની વ્યવહારિક સમજ વિકસે તે હેતુથી બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન શાળાના આચાર્ય શ્રી ડી. એન. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ચૂંટણી અધિકારી તરીકે શ્રી એમ. એન. પટેલ, લાયઝન અધિકારી તરીકે શ્રી વી. કે. પટેલ તેમજ ઓબ્ઝર્વર તરીકે શ્રી આર. એસ. પટેલએ જવાબદારી સંભાળી હતી. ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ સહિતની વિવિધ સમિતિઓની નિમણૂક કરીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

શાળા દ્વારા આયોજિત આ ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનીઓમાં લોકશાહી મૂલ્યો, મતદાનનો અધિકાર અને જવાબદાર નાગરિક તરીકેની ભાવના વિકસાવવાનો હતો.



આ પણ વાંચો :-