ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં વરસાદી પાણી વચ્ચે સર્જાયો અકસ્માત, પાલિકાની કામગીરી ચર્ચામાં

સુરત: સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં માર્ગ નિર્માણ અને જાળવણીની ગુણવત્તા અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રસ્તાની વચ્ચોવચ્ચ પડેલા ભુવામાં સિટી બસ ખાબકતાં સાત મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. વરસાદી પાણીના ભરાવાને કારણે ભુવો નજરે ન પડતાં આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, પાલિકાના ઉધના ઝોન હેઠળ આવેલા ગણેશનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલી મુસાફરોથી ભરેલી સિટી બસ અચાનક રસ્તામાં પડેલા મોટા ભુવામાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો ભાગ નુકસાનગ્રસ્ત બન્યો હતો અને વિન્ડશિલ્ડના કાચ પણ તૂટી ગયા હતા.
આ ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા સાત જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વરસાદી પાણી વચ્ચે અકસ્માત
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, સવારે પડેલા વરસાદને કારણે માર્ગ પર પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે રસ્તામાં પડેલો ભુવો બસ ચાલકને દેખાયો નહોતો અને બસ સીધી તેમાં ખાબકી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોનું માનવું છે કે જો બસ વધુ ઝડપે દોડી રહી હોત તો અકસ્માત વધુ ગંભીર બની શક્યો હોત.
માર્ગોની સ્થિતિ અંગે ફરી ચર્ચા
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ડિંડોલી વિસ્તારમાં પણ રસ્તો બેસી જતાં એક ડમ્પર ફસાઈ જવાની ઘટના બની હતી. તે સમયે પણ ડ્રેનેજ અને અન્ય કામગીરી બાદ માર્ગ પુનઃનિર્માણમાં ગુણવત્તાના અભાવ અંગે અનેક સવાલો ઉઠ્યા હતા.
હવે પાંડેસરાની આ ઘટનાએ ફરી એકવાર માર્ગ નિર્માણની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી અંગે ચર્ચા જગાવી છે. સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે આવા બનાવો ટાળવા માટે માર્ગોની તાત્કાલિક તપાસ કરી જરૂરી સમારકામ કરવામાં આવે.
