ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
દરવાજો ખખડાવતા આરોપી જાતે બહાર આવ્યો, ઓળખની પુષ્ટિ થતાં જ પોલીસે ઝડપી લીધો

પાદરા: દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવા માટે પાદરા પોલીસે અનોખી વ્યૂહરચના અપનાવી હતી. વસ્તી ગણતરીના કર્મચારીઓ તરીકે ઓળખ આપી પોલીસે રાજસ્થાનમાં જઈ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 2024માં પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂ સંબંધિત ગુનામાં સુરેન્દ્રગીરી ગોરધનગીરી ગોસ્વામી (રહે. રાજીવ મંગરા પુંજલા, જોધપુર, રાજસ્થાન)નું નામ ખુલ્યું હતું. ગુનો નોંધાયા બાદ આરોપી સતત પોલીસ પકડથી દૂર રહ્યો હતો.
ટેકનિકલ સર્વેલન્સથી મળ્યું લોકેશન
આરોપી પોતાના વતન વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, મોબાઇલ નંબર અને અન્ય ટેકનિકલ માધ્યમો દ્વારા તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી જોધપુરના મંગરા પુંજલા વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસની એક વિશેષ ટીમ રાજસ્થાન રવાના થઈ હતી.
સમાન મકાનો વચ્ચે આરોપી સુધી પહોંચવું બન્યું પડકાર
જોધપુર પહોંચ્યા બાદ પોલીસ સામે સૌથી મોટો પડકાર આરોપીના ચોક્કસ મકાન સુધી પહોંચવાનો હતો. વિસ્તારમાં મોટી સંખ્યામાં એકસરખા દેખાતા મકાનો હોવાથી આરોપીને શોધવાનું કામ મુશ્કેલ બન્યું હતું.
ત્યારે પોલીસકર્મીઓએ વસ્તી ગણતરીના કર્મચારીઓ તરીકે પોતાની ઓળખ આપી વિસ્તારની તપાસ શરૂ કરી હતી. આશરે 8 થી 10 મકાનોની ચકાસણી કર્યા બાદ તેઓ આરોપીના નિવાસસ્થાન સુધી પહોંચી શક્યા હતા.
દરવાજો ખખડાવતા જ બહાર આવ્યો આરોપી
પોલીસે વસ્તી ગણતરીના બહાને દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખુલતા આરોપી જાતે જ બહાર આવ્યો હતો. પોલીસે તેની ઓળખની ખાતરી કર્યા બાદ તરત જ તેને કસ્ટડીમાં લઈ લીધો હતો.
આરોપીને ઝડપી પાડવામાં પાદરા પોલીસની ધીરજ, ટેકનિકલ તપાસ અને ચાતુર્યપૂર્ણ આયોજન મહત્વપૂર્ણ સાબિત થયું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
