ગોધરામાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો, નિષ્ણાતોએ આપી ઉજ્જવળ ભવિષ્યની દિશા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગત તા : 10ના રોજ : ગોધરામાં દારુસ્સુલહ વલ-ખેર અને પંચમહાલ પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12 બાદના અભ્યાસક્રમો, કારકિર્દીના વિકલ્પો તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિદ્યાર્થીઓને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સેમિનારમાં વિદ્યાર્થીઓને તેમના રસ, આવડત અને ક્ષમતા મુજબ યોગ્ય ક્ષેત્રની પસંદગી કેવી રીતે કરવી તે અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. સાથે જ મેડિકલ, એન્જિનિયરિંગ, કોમર્સ, સરકારી નોકરી તેમજ અન્ય વિવિધ ક્ષેત્રોમાં રહેલી કારકિર્દીની તકો વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપસ્થિત વિદ્યાર્થીઓએ નિષ્ણાતો પાસેથી વિવિધ પ્રશ્નોના જવાબ મેળવી પોતાના ભવિષ્ય માટે માર્ગદર્શન મેળવ્યું હતું.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાત, બ્રિન્દા જાડેજા, ફીરદોસ હાજી કોઠી સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરી મહેનત, સંકલ્પ અને યોગ્ય માર્ગદર્શનથી સફળતા મેળવવા પ્રેરણા આપી હતી.

અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત મહેમાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-