શહેરા ડાયલ 112 ટીમની સતર્કતા: વાઘજીપુર ગામે યુવકનો જીવ બચાવી માનવતા મહેકાવી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે ડાયલ 112 PCR ટીમની સમયસૂચક કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી છે. ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરી રહેલા એક યુવકને પોલીસે સમયસર બચાવી પ્રશંસનીય કામગીરી કરી છે.

મળતી માહિતી મુજબ શહેરા ડાયલ 112 PCR ટીમને કોલ મળ્યો હતો કે વાઘજીપુર ગામે એક યુવક આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો છે. કોલર દ્વારા જણાવાયું હતું કે તેમના પતિ મહેન્દ્રભાઈ બારિયા કોઈ કારણસર ગળેફાંસો ખાવાની તૈયારીમાં છે. માહિતી મળતા જ PCR ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે મહેન્દ્રભાઈ પોતાના ઘરના પડદા વડે ગાળિયો બનાવી રહ્યા હતા. જોકે PCR સ્ટાફે સેકન્ડોમાં ત્વરિત કાર્યવાહી કરી તેમને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.

ત્યારબાદ મહેન્દ્રભાઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા તેમનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. સમજાવટ બાદ યુવકને તેની પત્ની અને બાળક સાથે સુરક્ષિત રીતે મિલન કરાવવામાં આવ્યો હતો.

આ સફળ રેસ્ક્યુ ઓપરેશનમાં શહેરા PCRના પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ ભરવાડ, હોમગાર્ડ રતનસિંહ ખાંટ, શોભાભાઈ પાગી અને પાયલોટ કિરણસિંહ ખાંટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

સમયસર પહોંચીને એક પરિવારનો માળો વિખેરાતો બચાવનાર ટીમની કામગીરીને સ્થાનિકો અને પોલીસ વિભાગ દ્વારા બિરદાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-