ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ, મંગળવાર:: ભારત સરકાર દ્વારા આગામી સમયમાં યોજાનારી રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયાના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ‘જનગણના 2027’ માટેની પૂર્વ તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અજય દહિયા ના માર્ગદર્શન હેઠળ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામગીરીને સફળ બનાવવા માટે જરૂરી આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે.
જનગણનાની કામગીરી સુવ્યવસ્થિત અને ક્ષતિરહિત રીતે પૂર્ણ થાય તે હેતુથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 7 તાલુકા તાલીમ કેન્દ્રો તેમજ શહેરી વિસ્તારની 4 નગરપાલિકાઓ ખાતે ગણતરીદારો અને સુપરવાઈઝરો માટે સઘન તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ તાલીમ 11 મે 2026થી શરૂ થઈ ચૂકી છે અને 23 મે 2026 સુધી ચાલુ રહેશે.
સ્વ-ગણના (Self Enumeration) ની સુવિધા શરૂ થશે
આ વખતે ટેકનોલોજીના ઉપયોગ સાથે નાગરિકોને પોતાની વિગતો સ્વયં નોંધવાની સુવિધા આપવામાં આવી છે. 17 મે 2026થી 31 મે 2026 સુધી નાગરિકો se.census.gov.in પોર્ટલ પર જઈ પોતાની તથા પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે.
ત્યારબાદ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન (HLO) અંતર્ગત 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન જનગણના કર્મચારીઓ ઘર-ઘર જઈ રૂબરૂ માહિતી એકત્રિત કરવાની કામગીરી હાથ ધરશે. દરેક પરિવારોની મુલાકાત લઈ જરૂરી વિગતો નોંધવામાં આવશે.
જિલ્લા વહીવટીતંત્રે તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે. ગણતરીદારોને સાચી, સંપૂર્ણ અને સમયસર માહિતી આપવી જરૂરી રહેશે. જનગણના હેઠળ આપવામાં આવતી તમામ વિગતો ‘જનગણના અધિનિયમ’ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી આયોજન માટે જ કરવામાં આવશે.
પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકો ‘જનગણના 2027’ ને સફળ બનાવવા માટે વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપે તેવી વિનંતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.