માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મળશે ₹1.5 લાખ સુધીની મફત કેશલેસ સારવાર, ‘PM RAHAT’ યોજના અમલમાં…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. માર્ગ અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્ત બનેલી વ્યક્તિને સમયસર સારવાર મળી રહે અને કિંમતી જીવ બચાવી શકાય તે હેતુથી ભારત સરકાર દ્વારા ‘PM RAHAT’ કેશલેસ સારવાર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ અંગે આર.ટી.ઓ. ગોધરા દ્વારા જિલ્લાના નાગરિકોને માહિતગાર કરવા માટે ખાસ માહિતી જાહેર કરવામાં આવી છે.

આ યોજના હેઠળ માર્ગ અકસ્માતનો ભોગ બનેલી કોઈપણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થયાના પ્રથમ 7 દિવસ સુધી અથવા મહત્તમ ₹1.5 લાખ સુધીની સારવાર સંપૂર્ણપણે કેશલેસ અને વિનામૂલ્યે આપવામાં આવશે. અકસ્માત બાદનો પ્રથમ કલાક ‘ગોલ્ડન અવર’ તરીકે ઓળખાય છે, જેમાં તાત્કાલિક સારવાર મળવાથી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બને છે. સરકારની આ યોજના ખાસ કરીને આ જ મહત્વપૂર્ણ સમયગાળાને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી છે.

યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સારવાર મેળવવા માટે કોઈપણ પ્રકારના પૂર્વ-નોંધણી કાર્ડ કે ખાસ પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વ્યક્તિને સીધા જ યોજના હેઠળ નોંધાયેલ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં ખસેડી શકાય છે, જ્યાં તેને તાત્કાલિક સારવાર આપવામાં આવશે.

‘PM RAHAT’ યોજના હેઠળ સૂચિબદ્ધ તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ યોજના દ્વારા સામાન્ય નાગરિકોને અકસ્માત સમયે આર્થિક બોજમાંથી મોટી રાહત મળશે.

પ્રાદેશિક પરિવહન અધિકારી, ગોધરા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે માર્ગ અકસ્માતની ઘટનામાં ગભરાવાની જગ્યાએ ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની અધિકૃત હોસ્પિટલમાં પહોંચાડવી જોઈએ, જેથી ‘ગોલ્ડન અવર’ દરમિયાન જરૂરી સારવાર મળી શકે અને જીવ બચાવી શકાય.

વધુ માહિતી માટે નાગરિકોને પરિવહન વિભાગની અધિકૃત વેબસાઈટ અથવા આર.ટી.ઓ. કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ પણ વાંચો :-