ગોધરા (ગ્રામ્ય) તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 26 મેના રોજ યોજાશે…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના ગોધરા (ગ્રામ્ય) તાલુકા માટે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. 26 મે 2026, મંગળવારના રોજ સવારે 11:00 કલાકે યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના નાગરિકો અને અરજદારો પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નો રજૂ કરી શકશે. જોકે સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નીતિવિષયક તેમજ આક્ષેપાત્મક અરજીઓ આ કાર્યક્રમ હેઠળ સ્વીકારવામાં આવશે નહીં.

અરજદારોએ પોતાના પ્રશ્નો તા. 10 મે 2026 સુધીમાં મામલતદાર કચેરી, ગોધરા (શહેર) ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફતે લેખિત અરજી દ્વારા મોકલવાના રહેશે.

દરેક અરજદારે એક અરજીમાં માત્ર એક જ પ્રશ્ન અથવા ફરિયાદ રજૂ કરવાની રહેશે. અરજી તથા કવર પર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” એમ સ્પષ્ટ લખવાનું રહેશે. સાથે જ અરજદારે પોતાનું નામ, સરનામું અને સંપર્ક નંબર દર્શાવવો ફરજિયાત રહેશે.

તાલુકા સ્વાગતમાં રજૂ થનારા પ્રશ્નો માટે અરજદારે અગાઉ સંબંધિત તાલુકા કક્ષાના જવાબદાર અધિકારી સમક્ષ રજૂઆત કરેલી હોવી જરૂરી રહેશે અને તેની નકલ અરજી સાથે જોડવાની રહેશે.

કાર્યક્રમ દરમિયાન અરજદારે પોતાની હાજરીમાં રૂબરૂ રજૂઆત કરવાની રહેશે. કોઈ વકીલ અથવા અન્ય વ્યક્તિ મારફતે રજૂઆત માન્ય ગણાશે નહીં.

મામલતદાર, ગોધરા (ગ્રામ્ય) દ્વારા જણાવાયું છે કે તા. 10 મે 2026 સુધીમાં પ્રાપ્ત થયેલી અરજીઓનો જ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.