સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના જંગલ સફારી પાર્કમાં ગેંડાની બર્થ ડે કેક કોણે કાપી ? અને કોણે ખાધી ?

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

પોતાના વર્તનથી જંગલ સફારી પરીવાર અને પ્રવાસીઓના વ્હાલા બનેલા નર ગેંડાના જન્મદિને સ્ટાફ દ્વારા વિશેષ કેક બનાવાઇ

જંગલ સફારી ના પ્રત્યેક પ્રાણી અમારા માટે પરિવારજનો સમાન – જનસંપર્ક અઘિકારી રાહુલ પટેલ

સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યુ છે તેની સાથે ૩૭૫ એકરના વિસ્તારમાં ફેલાયેલ અને “સ્ટેટ ઓફ ધી આર્ટ” ગણાતા સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક ખાતે અનોખા જન્મદિનની ઉજવણી થઇ અને એ પણ કોઇ મનુષ્યની નહી પણ પ્રાણીની. કારણ કે, અહિંયા વસવાટ કરતા પ્રાણીઓ અને પક્ષીઓ એ અત્રેના કર્મયોગીઓના પરીવારજન છે એટલે ઉત્સાહ સાથે સૌના વ્હાલા મંગલના જન્મદિનની ઉજવણી વિશાળ કેક કાપીને થઇ.

ગુજરાતી માં કહેવત છે કે, જંગલમાં મંગલ, અને માનવ હોય કે પ્રાણીના ખોરડે જન્મદિવસ આનંદનો પ્રસંગ ગણાય છે.એકતાનગરના ખાસ આકર્ષણોમાં સમાવેશ થાય છે તેવી જંગલ સફારીના પ્રવાસીઓ અને સ્ટાફના વ્હાલા મંગલે( નર ગેંડા) જીવનના 17 વર્ષ પૂર્ણ કરતા જંગલ સફારી પરીવારે આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે ખાસ મંગલને અન અનુરૂપ શાકભાજી અને ઘાસથી એક વિશાળ કેક બનાવી હતી અને જન્મદિવસની ઉજવણી કરી હતી.

અગાઉ આ પ્રકારના પ્રાણી સંગ્રહાલયો ફક્ત પક્ષી/ પ્રાણી સૃષ્ટિના દર્શન સ્થળો હતાં. હવે અભિગમ બદલાયો છે અને તે પ્રમાણે ગુજરાત માટે નવલા નજરાણા જેવી કેવડિયાની જંગલ સફારી માત્ર પ્રવાસીઓના મનોરંજનનું સ્થળ ન બની રહેતાં હવે તે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધનનું સ્થળ બન્યું છે. સતત પ્રાણીઓની દેખરેખ અને કાળજી રાખનાર સફારીના કર્મયોગી એવા એનિમલ કીપર અને તબીબો તરફથી યોગ્ય માવજતને કારણે આ સ્થળે પ્રાણીને ખૂબ સુરક્ષિત, વિશ્વસનીય અને પ્રેમાળ વાતાવરણ મળી રહ્યુ છે અને આજે જંગલ સફારીના પ્રત્યેક પ્રાણી-પક્ષી અત્રેના કર્મયોગીઓના પરીવારજન બની ગયા છે.

એકતા નગર (કેવડિયા)ની જંગલ સફારીમાં આજે મંગળ ગાન અને જન્મદિનના વધામણાં ના હરખનું વાતાવરણ હતુ.અને કેમના હોય! જંગલ સફારીના નર ગેંડા “મંગલ”નો જન્મદિન હતો. સફારીના સમગ્ર કર્મયોગીઓએ ભેગા થઇને મંગલના જન્મદિનને યાદગાર બનાવવા માટે ઘાસ અને ખાસ શાકભાજીનો ઉપયોગ કરીને મંગલ ને લાયક અને તેની તંદુરસ્તી જળવાય તેવી કેક બનાવી હતી અને હેપ્પી બર્થ ડે ટુ ડીયર મંગલ ના ગીત સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.

પોતાની લાગણી વ્યક્ત કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી શ્રી રાહુલ પટેલે જણાવ્યું કે, મંગલ નો જન્મ કાનપુર પ્રાણી સંગ્રહાલયમાં ૨૮/૦૩/૨૦૦૬માં થયો હતો અને તેને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીના માપદંડોને અનુસરીને એનિમલ એકસચેંજ પ્રોગ્રામ હેઠળ ૨૦૧૯માં જંગલ સફારીમાં લાવવામાં આવ્યો હતો.જંગલ સફારીના પ્રત્યેક પ્રાણી અમારા માટે એક પરીવારજન કરતા પણ વધારે છે, લાડકોડ અને કાળજી સાથે તમામ પ્રાણીઓની કાળજી રાખવામાં આવી રહી છે, આજે સૌના વ્હાલા મંગલ ના જન્મદિનની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી છે અને અમે સંદેશો આપવા માંગીએ છીએ કે, સમગ્ર વિશ્વ એક પરીવાર છે અને અમારા કર્મયોગીઓ વાત્સલ્ય ભાવ, ચાહના અને ઉષ્મા થી આ વન્ય જીવન સંપદાનું અહીં જતન કરે છે આ એનો બોલકો અને સચોટ પુરાવો આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here