શહેરા : નરેગા શ્રમિકોએ અન્ન સુરક્ષા અધિકાર અભિયાન, ગુજરાતના નેજા હેઠળ એકત્રિત થઈ શહેરાના તાલુકા વિકાસ અધિકારીને મનરેગા અંતગર્ત આવેદન પત્ર આપ્યું…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

ગુજરાતના વિભિન્ન જિલ્લાના નરેગા શ્રમિકો અને અન્ન સુરક્ષા અધિકાર અભિયાન, ગુજરાતના નેજા હેઠળ એકત્ર થઈ દેશના કરોડો શ્રમિકો દ્વારા સાથે મળી આજરોજ તા: ૨૯/૬/૨૦૨૦ નરેગા અધિકાર દિવસ નિમિતે રોજ મજુરી કામ અને માનભેર વેતનના અધિકારનું આહવાન કરવામાં આવ્યું હતું જેને અનુરૂપ શહેરા તાલુકાના પાનમ ડેમ વિસ્થાપિત મહિલાઓના નેતૃવ્વ હેઠળ બનેલ પાનમ મહિલા સંગઠનના મહિલાઓએ ભેગા મળીને શહેરાના તાલુકા વિકાસ અધિકારીને મનરેગા અંતગર્ત આવેદન પત્ર આપ્યો હતો.

મળતી માહિતી મુજબ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી કાયદો તેમાં અમલના 15 વર્ષ બાદ આજે કોવિડ – 19 અને તાળાબંધીના સમયમાં રોજ મજુરીકામ કરી પોતાનું પેટીયું રડતા ગરીબ શ્રમિકો માટે જીવાદોરી સમાન પુરવાર થયો છે. આર્થિક અને આરોગ્યની વૈશ્વિક આપદામાં અન્ન અસુરક્ષા અને રોજગારીના અભાવે ભૂખમરી જુદા- જુદા સ્વરૂપે ગરીબોના ઘરોમાં પગપેસારો કરી રહી છે. ખેતમજૂરી, બાંધકામ મજૂરી, ઈંટભટ્ટા , છૂટક મજુરી , કારખાનામાં રોજગારી જેવા કામો માટે સ્થળાંતર કરી ગયેલા લોકો પોતાના ગામમાં પરત આવ્યા છે અને માત્ર મનરેગાના કામ પર પોતાના જીવતરની અપેક્ષા રાખી રહ્યા છે. આ બધા ગામોમાં ચાલુ વર્ષે કામની માંગણી વધી રહી છે આવા સમયે જોબકાર્ડ ઇસ્યુ ન થવા, કામની માંગણી ન સ્વીકારવી, સ્વીકારી હોય તો તેની પહોંચ શ્રમિક ને ન આપવી, પહોંચ આપી હોય છતાં કામ મનરેગા હેઠળ કામ ન આપવું, JCB જેવા અન્ય મશીનો દ્વારા કાર્ય સ્થળ પર કામ કરાવવું, કાર્યસ્થળ પર કાયદાની જોગવાઈ મુજબ છાંયો, પીવાના પાણી, દવા, બાળ-સંભાળ વ્યવસ્થા તો નથી જ પણ ઘણી જગ્યાઓ પર સેનિટાઈઝર કે શ્રમિકો માટે માસ્ક પણ નહિ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
તેમજ મનરેગાના કામો જ્યાં શરૂ થયા તે વર્ક સાઈડ પહેલા વરસાદ બાદ જુનના પહેલા અઠવાડિયાથી બંધ કરી દેવાઈ છે, વેતન શ્રમિકના ખાતામાં જમા થાય છે કે ગામના વગ ધરાવતા કોઈ વ્યક્તિના ખાતામાં..!! કારણકે શ્રમિકોને જોબકાર્ડ વિના, માપણી વિના, અપૂરતા ચુકવણાં કેવી રીતે થાય છે તે સમજાવતુ નથી. પુરું કામ અને માપણી બાદ પણ ક્યાંય મનરેગાનો જાહેર કરવામાં આવેલ વેતન / રોજ મળતો નથી.
આટલું જ આવેદનરૂપે રજૂઆત કરનાર જરૂરતમંદ શ્રમિકોએ જણાવ્યું હતું કે ગામની ગ્રામસભામાં કામો નક્કી કરી ઠરાવ પસાર કર્યા છે તેને વહીવટી અને તાંત્રિક મંજુરી મળવામાં વિલંબ થવાથી કામો શરૂ થતાં નથી. રાજ્યમાં નાગરિકના હક્ક અધિકારનાં રક્ષણ માટે કોઈ પ્રકારની ફરિયાદ નિવારણ વ્યવસ્થા કાર્યરત નથી. કોવિડ – 19 દરમ્યાન વિવિધ ફરિયાદ માટે જાહેર કરાયેલ હેલ્પલાઇન અને મનરેગાની રાજ્યની હેલ્પલાઇન પર જવાબ મળતાં નથી અને ફરિયાદ નોંધવાને બદલે સબંધિત અધિકારી સાથે વાત કરવો તેવું દબાણ થાય છે, બીજી કોઈજ મદદ મળતી નથી. મનરેગા માટે ગ્રામ રોજગાર સહાયકો અને અન્ય સ્ટાફના અભાવે શ્રમિકોની માંગ છતાં વર્ક સાઈટ શરૂ થતી નથી, સેકડોની સંખ્યામાં જે શ્રમિકો રોજગાર વિના હતાશ અને આપદાની સ્થિતિમાં છે તેમને કામ મળતું નથી.
આવી તમામ બાબતો તેમજ રજુઆતોને ધ્યાનમાં રાખી નરેગા સંઘર્ષ મોરચા – રાષ્ટ્રીય અભિયાન સાથે અન્ન સુરક્ષા અધિકાર અભિયાન, ગુજરાતના સાથીઓએ આજે નરેગા અધિકાર દિવસે નીચે મુજબની માંગો આવેદન પત્રના માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેંદ્ર મોદી સુધી પહોચડવાનો પ્રયાસ કર્યો હતો અને એમાંગણીઓમાં જણાવ્યું હતું કે
માંગ – 1 : વધતી જતી આર્થિક ભીંસ , બેરોજગારી અને રાષ્ટ્રીય આર્થિક સંકટમાં નરેગાના કામના દિવસોને પ્રતિ શ્રમિક વાર્ષિક 200 દિવસ માટે આપવામાં આવે. કામ, રોજી અને અન્નના અભાવે કુપોષણ, ભૂખમરી, બાળ – માતામરણના કિસ્સાઓ વધી રહ્યા છે. કોવિડ – 19 ની મહામારીની અસામાન્ય સ્થિતિમાં અન્ય બીમારીથી મોતની સંખ્યા વધતી જોવા મળી રહી છે આના અટકાવવા માટે રોજગારીની બાહેધરી જ જવાબ છે.
માંગ – 2 : સાતમાં વેતન પંચની ભલામણના પગલે મનરેગા હેઠળના વેતન દર પ્રતિ દિવસ રૂ. 600/- પ્રમાણે કરવામાં આવે. 2009 થી મનરેગાના વેતન ને લઘુતમ વેતન થી અલગ કરવામાં આવ્યું. નરેગા હેઠળ કામનું વેતન સન્માન અને જીવન જીવવા માટે પૂરતું હોય તે ખૂબ જરૂરી છે. સાતમાં વેતન આયોગમાં ભોજન, શિક્ષા, આરોગ્ય અને પાયાની સલામતીની જરૂરિયાતોને જોતાં માસિક વેતન ને રૂ. 18000/- કર્યું હતું. તે મુજબ નરેગામાં રોજ રૂ.600/- લેખે થાય તે અમારી માંગ છે.
માંગ – 3 : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી કાયદાની કલમ 16 (1) મુજબ કામનું આયોજન (શેલ્ફ ઓફ પ્રોજ્ક્ટ ) ગ્રામ પંચાયત, વોર્ડ અને સભા ગ્રામ સભામાં નક્કી થયેલ કામોને પ્રાથમિકતા આપતું હોવું જોઈએ. રાજય કે કેન્દ્ર સરકારની અન્ય યોજનાઓ માં કામો ઉપરથી નક્કી થાય તે મુજબ પંચાયતો ને તે કરવાની ફરજ પડતી આવી છે જ્યારે ગામના સંસાધનો અને આજીવિકા સુધારનાં કામોની જરૂર છે ત્યારે સ્થાનિક સ્વરાજ ની સસ્થાઓ ના આયોજન ને પ્રાથમિકતા અને તેમના દ્વારા નક્કી થયેલ કામોની તાંત્રિક અને વહીવટી મજૂરીની પ્રક્રિયા ઝડપી બને તેવી અમારી માંગ છે.

આવી અનેક લેખિત રજુઆઅતો સાથે વધુમાં જણાવ્યું હતું કે અમે અવાર નવાર શ્રમિકોના પ્રશ્નો સાથે આપ સુધી આવ્યા છીએ. આ માંગપત્ર પર ત્વરિત કાર્યવાહી થાય અને તેની જાણ અમારા સગઠનને કરવામાં આવે તેવી અમારી ભારપૂર્વકની માંગણી છે.
હવે જોવું રહ્યું કે ભૂખ્યા પેટે તાલુકાના મુખ્ય મથકે દોડી આવેલ ગરીબ જરૂરતમંદ એવા શ્રમિકોની માંગણી રજૂઆત પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરે છે કે પછી “કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના” જેવો હાલ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here