ભાજપના કાર્યકરો અને સરકાર, બંને એકબીજાના પૂરક છે : મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળામાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપા કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

રાજપીપળા ખાતે એક દિવસ ની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપા કાર્યકરો સાથે ના એક સ્નેહ મિલન સમારોહ મા જમાવ્યું હતું કે ભાજપના કાર્યકરો અને સરકાર, બંને એકબીજાના પૂરક છે. લોકોની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરી રહ્યા છે.

રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સ્નેહમિલન કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી રાજ્ય સરકાર અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના સર્વાંગી વિકાસ માટે રૂ. એક લાખ કરોડની વનબંધુ કલ્યાણના બીજા તબક્કાને અમલમાં લાવવામાં આવશે. વનબંધુ કલ્યાણ યોજનાના પ્રથમ તબક્કામાં આદિવાસીઓના સર્વાંગી વિકાસના ક્રાંતિકારી પરિણામો મળ્યા છે. આદિવાસી વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી થતાં આદિવાસીઓના જીવનમાં આર્થિક ઉજાસ સાથે બદલાવ આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી એ ઉમેર્યું કે નર્મદા જિલ્લાને વિરાટ વ્યક્તિત્વ એવા સરદાર સાહેબનું સાંનિધ્ય સાંપડ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દૃષ્ટિના કારણે નર્મદા જિલ્લો આજે સમગ્ર દેશ અને દુનિયામાં ખ્યાતિ પામ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે અહી અનેક વિકાસના કામો થયા છે. જેના પરિણામે સ્થાનિક લોકોને રોજગારીના અવસરો મળ્યા છે. હવે અમારો પ્રયત્ન એવો છે કે રાજ્યના તમામ આદિવાસી જિલ્લાઓને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. અમે જે કહીએ છીએ તે કામ કરીને બતાવી એ છીએ. એ ગુણ અમને નરેન્દ્રભાઈ પાસેથી વારસામાં મળ્યો છે.

કાર્યકરોને શીખ આપતા શ્રી પટેલે ઉમેર્યું કે ભાજપનો કાર્યકર હંમેશા શિસ્ત અને પરિવાર ભાવનાથી કામ કરવા ટેવાયેલા છે. ભાજપના કાર્યકરો પ્રજા વચ્ચે જઈ આત્મીય ભાવ સાથે કામ કરે છે. જેના પરિણામો આપણને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં મળ્યા છે.

તેમણે ઉમેર્યું કે, અમારી સરકારે કાર્યકરો માટે સરકારના દરવાજા ખુલ્લા મુક્યા છે. લોકકલ્યાણ અને જનહિતના કામો લઈને સરકાર પાસે કાર્યકરો આવશે ત્યારે તેને જરૂરથી લક્ષ્યમાં લેવામાં આવશે.

જિલ્લાના પ્રભારી અને માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી માટે સંકલ્પબદ્ધ થઈ નિર્ધારિત લક્ષ સુધી પહોંચવા અત્યારથી જ આયોજન કરવા જણાવ્યું હતું. ભારતીય સનાતન સંસ્કૃતિમાં નૂતન વર્ષનું આગવું મહત્વ છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું કે નવું વર્ષ પ્રકૃતિ અનુરૂપ અને વૈજ્ઞાનિક છે. હવે નવા વર્ષમાં નવા સંકલ્પો સાથે કામ કરવાનું છે. બુથનું આયોજન કરવું પડશે. દરેક બુથ પર મતોની સંખ્યા વધારવી પડશે. ભાજપની સરકાર દ્વારા નર્મદા જિલ્લાના વિકાસ માટે તમામ પગલાં લેવામાં આવ્યા છે. પડતર અને પ્રાણપ્રશ્નનો નિકાલ લાવવામાં આવશે.

સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ભાજપા ૧૮૨ બેઠકો પર વિજયી બને તે માટે સૌ કાર્યકરોને સંકલ્પબદ્ધ થવા હાકલ કરી સૌને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભાજપના શાસનમાં ગુજરાત વિકાસની નૂતન ક્ષિતિજો સર કરી રહ્યું છે, તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે કોરોના મહામારીમાં સરકાર સંવેદનશીલતા સાથે કામ કરી લોકોની પડખે ઊભી રહી હતી. એટલુ જ નહિ કોરોના કાળમાં ગરીબોને મફત અનાજ પણ આપવામાં આવ્યું હતું. કોરોના કાળમાં પણ વિકાસની રફતાર અટકી નથી.
નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને આગામી ટૂંક સમયમાં સિંચાઈ અને પીવાનું પાણી મળી રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું. શિક્ષણ ક્ષેત્રે પણ નર્મદા જિલ્લાને અન્ય જિલ્લાની હરોળમાં લઈ જવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકરોએ જનમાનસમાં સ્થાન મેળવવા માટે માથું મૂકીને કામ કરે છે અને તેનું પરિણામ આપણને ગત્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યું છે. હવે નર્મદા જિલ્લાની ધારાસભાની બંને બેઠક પર વિજય મેળવી જયઘોષ કરવાનો છે.
પ્રદેશ ભાજપા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આવનાર વિધાનસભા ચૂંટણીમાં જિલ્લાની બંને બેઠકો પર ભાજપનો વિજય થાય તે માટે આજથી જ કામે લાગી જવા કાર્યકરોને હાકલ કરી હતી.

જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે પણ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરી નર્મદા જિલ્લાને વૈશ્વિક ઓળખ અપાવી છે.
નર્મદા જિલ્લાને ગેસ આપવાનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન આજે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પૂર્ણ કર્યું છે.નર્મદા જિલ્લામાં રાજ્ય સરકારે પાયાની અને માળખાકીય સુવિધાઓ ઉભી કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી અને માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી, ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યૂષાબેન વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા, ભરૂચ ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા, મોતીભાઈ વસાવા,રમેશભાઈ વસાવા,પારૂલબેન તડવી, સહિત સંગઠનના આગેવાનો,હોદેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here