પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

ધારાસભ્યશ્રી જેઠભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને તેમજ સાંસદશ્રી રતનસિંહ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજનાનું લોકાર્પણ

શહેરા તાલુકાના 12 ગામોના ખેડૂતોને પિયત માટે દિવસે વીજપુરવઠાનો લાભ મળતો થશે

ખેડૂતભાઈઓને પિયત માટે દિવસે વિજળી આપવાની રાજ્ય સરકારની ક્રાંતિકારી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં પંચમહાલ જિલ્લાના વિવિધ ગામો આવરી લેવાયા છે. આ જ શ્રેણીમાં જિલ્લાના શહેરા તાલુકાના ગામોમાં આ યોજનાના લોકાર્પણનો કાર્યક્રમ શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને અને પંચમહાલ જિલ્લા સાંસદશ્રી રતનસિંહ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. શહેરા નગરપાલિકા હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે શહેરા તાલુકામાં આ યોજનાના લોકાર્પણ સાથે 12 ગામના 450થી વધુ ખેડૂતોને અને તબક્કાવાર તમામ ગામોના ખેડૂતોને પિયત માટે દિવસે વિજળીનો લાભ મળતો થશે. દિવસે વીજપુરવઠો મેળવવાની ખેડૂતોની વર્ષોની માંગ પૂરી થતા હવે તેમને પાણી પાવા માટે રાત્રે કરવા પડતા ઉજાગરા બંધ થશે તેમજ ઝેરી જીવ-જંતુના કરડવાનો, જંગલ વિસ્તારોમાં જાનવરોના હુમલાનો ભય બંધ થશે તેમજ પાણીનો વપરાશ પણ ઘટશે તેમ ધારાસભ્યશ્રીએ ઉમેર્યુ હતું. ગુજરાતના દરેક ઘરને નિરંતર પુરવઠો પૂરો પાડવા માટે અમલી કરાયેલ જ્યોતિગ્રામ યોજનાની માફક જ કિસાન સૂર્યોદય યોજના પણ ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદરૂપ બની રહેશે. સરકાર દ્વારા ખેડૂત કલ્યાણ માટે લાગુ કરાયેલ વિવિધ યોજનાઓ વિશે માહિતી આપતા તેમણે ખેડૂતોને મહત્તમ યોજનાઓનો લાભ લેવા આગ્રહ કર્યો હતો. કિસાનો અને ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત વિજપુરવઠો પહોંચતો કરવા સરકારે વીજ વ્યવસ્થાપન ક્ષેત્રે કરેલા ભગીરથ પ્રયાસોનો ઉલ્લેખ કરતા સરકારની સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લેવા શ્રી જેઠાભાઈ ભરવાડે આગ્રહ કર્યો હતો, જેથી તેઓ પોતાના વપરાશ જેટલી વિજળી ઉત્પન્ન કરી શકે અને વધારાના વિજળી વેચીને આવક પણ મેળવી શકે.
આ અગાઉ સમારંભના અતિથી વિશેષ પદેથી સંબોધન કરતા પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને રાજ્યમાં શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર સતત ખેડૂતો માટે કૃષિ વધુને વધુ વળતરદાયક બને તે દિશામાં પગલા લઈ રહી છે. દિવસે કામ અને રાત્રે આરામ મળે તે કુદરતી ક્રમને ધ્યાને રાખીને ખેડૂતોની સતત ચિંતા કરતી સરકારે કિસાન સૂર્યોદયની યોજના અમલમાં મૂકી છે. ખેડૂતો માટે ઉપકારક એવી સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના વિશે વાત કરતા સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત સરકારે 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડથી વધુની રકમ જમા કરાવ્યા છે, જે સરકારની ખેડૂતોના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે. કાર્યક્રમમાં શહેરાના અગ્રણી લોકપ્રતિનીધીઓ શ્રી અંબાલાલ પટેલ, શ્રી મગનભાઈ પટેલિયા, સુશ્રી સ્નેહાબેન શાહ તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. રાઠોડ, શહેરા પ્રાંત અધિકારીશ્રી જયકુમાર બારોટ, મામલતદારશ્રી મેહુલ ભરવાડ તેમજ એમજીવીસીએલના વરિષ્ઠ અધિકારીઓ, કિસાનો સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

કિસાન સૂર્યોદય યોજનાના તાલુકામાં લોકાર્પણ સાથે જ તાલુકાના 12 ગામોને દિવસે પિયત માટે વિજળી ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં બોરિયાવી, છોગાળા, ચોપડાખુર્દ, ગાંગડીયા, ખટકપુર ખોજલવાસા, મહેલાણ, મીરાપુર, નાડા, નાંદરવા, સાગરડા તેમજ સાજીવાવનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here