નર્મદા જીલ્લામા ર૦રર ની બેચના આઇ.એ.એસ (પ્રોબેશ્નર્સ) સુશ્રી પ્રતિભા દહિયા ફિલ્ડ તાલીમ માટે જોડાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ઇન્સ્ટીટયુશનલ ટ્રેનિંગ અન્વયે સ્પીપામાં અગાઉ તાલીમના પાંચ અઠવાડિયા પૂર્ણ કર્યા હતા

એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની રાહબરીમાં તેઓ વહીવટી તંત્રના વિવિધ વિભાગોની કામગીરીનો અભ્યાસ કરશે

ગુજરાત કેડરમાં ફાળવાયેલા ર૦રરની બેચના ૯ પ્રોબેશ્નરી આઇ.એ.એસ અધિકારીઓ પૈકી એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં તાલીમ માટે સુશ્રી પ્રતિભા દહિયા આજે તા.26મી જૂન,2023ને સોમવારના રોજ જોડાતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સાથે મુલાકાત કરી પરિચય કેળવ્યો હતો.
મૂળ હરિયાણાના વતની શ્રીમતી પ્રમિલાબેન અને ઓપ્રકાશ દહિયાના પુત્રી સુશ્રી પ્રતિભા દહિયાએ અંગ્રેજી સાહિત્ય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી હતી. દરમિયાન વર્ષ ૨૦૨૨ની યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. ગુજરાત કેડરમાં પસંદગી પામ્યા હતા. અગાઉ વર્ષ ૨૦૨૧ની બેચમાં યુપીએસસીની પરીક્ષા પાસ કરી આઈ.પી.એસ.ની આસામ કેડરમાં તેઓ પસંદગી પામ્યા હતા. જ્યાં તેઓ તાલીમ લઈ રહ્યા હતા, તે દરમિયાન પુનઃ યુપીએસસીની પરીક્ષા આપતાં સફળતા પ્રાપ્ત કરી આઈ.એ.એસ. ગુજરાત કેડરમાં પસંદગી પામ્યા છે.
ગુજરાતમાં પ્રોબેશ્નરી આઇ.એ.એસ અધિકારી તરીકેની ઇન્સ્ટીટયુશનલ ટ્રેનિંગ અન્વયે સુશ્રી દહિયાએ સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન-સ્પીપા(અમદાવાદ) ખાતે પાંચ સપ્તાહની તાલીમ પૂર્ણ કરી છે. સ્પીપા સહિતની તાલીમ અંતર્ગત બાવન અઠવાડિયા પૈકી ૪૭ સપ્તાહની તાલીમ નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની રાહબરીમાં તેઓ જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પ્રાંત કચેરીના વિવિધ વિભાગોમાં તાલીમ મેળવી વહીવટી તંત્રની કામગીરીથી વાકેફ થશે. આજથી જ કલેક્ટરાલય ખાતે તેઓએ તાલીમના ભાગરૂપે વિવિધ કચેરીની કાર્યપ્રણાલી અંગેનો અભ્યાસ શરૂ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here