નર્મદા જીલ્લામાં” ફોર્ચ્યુન સુપોષણ’ દ્વારા મિલેટ્સને લોકપ્રિય બનાવવા પ્રસંશનીય કામગીરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

શ્રીઅન્ન’ થકી લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ
‘બલિહારી તુજ બાજરો, જેનાં મોટાં પાન, ઘોડો પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન’

“આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ” તરીકે 2023 નાં વર્ષ ને મનાવવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ જાડા ધાન્યને લોકભોગ્ય બનાવવા માટે ભરસક પ્રયાસો થઈ રહ્યા છે. તેવામાં અદાણી ફાઉન્ડેશન સંચાલિત ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત મિલેટ્સને લોકપ્રિય બનાવવા પ્રસંશનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. ‘શ્રીઅન્ન’થી વધુમાં વધુ લોકો લાભાન્વિત થાય તે માટે લાભાર્થીઓને વૈવિધ્યસભર વાનગીઓનાં પ્રદર્શનથી પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, લોકોને સ્વાસ્થ્ય લાભની સાથે ખેડૂતોને નવા બજારની નવી તકો સાંપડી છે.

સુપર ફૂડ મિલેટ્સ વિશે લોકજાગૃતિ ફેલાવવા 2023ને ‘આંતરરાષ્ટ્રીય ધાન્ય વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લામાં સુપોષણ સંગિનીઓએ મિલેટ્સને સામુદાયોના દૈનિક આહારમાં સામેલ કરવા અનોખી પહેલ કરી છે. સંગીનીઓ દ્વારા ધાન્યના લાભો દર્શાવતી 500 જેટલી વાનગીઓના પ્રદર્શનો યોજવામાં આવ્યા છે. જેનાથી તેના વપરાશ અને બહેતર પોષણ માટેની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન મળ્યું છે.
આરોગ્યપ્રદ ધાન્યને દૈનિક રસોઈમાં સ્થાન મળે તેવા ઉમદા હેતુથી સુપોષણ સંગિનીઓ સતત કાર્યરત છે. રસોઈ પ્રદર્શનો દ્વારા ભોજનમાં તેના સમાવેશની અવનવી રીતો દર્શાવી વૈવિધ્યતા અને પોષકમૂલ્યો ઉજાગર કર્યા છે. પરિણામે ગેરસમજ દૂર થઈ, નિયમિત તેના સેવનના વિશે લોકજાગૃતિ વધી છે. સરળતાથી ઉપલબ્ધ પૌષ્ટિક ધાન્યને રોજિંદા ભોજનમાં સામેલ કરવાથી લોકોના સરેરાશ આરોગ્ય અને સુખાકારીમાં પણ વૃદ્ધિ થઈ છે.

તિલકવાડાની સ્થાનિક 17 વર્ષીય નંદિનીને સુપોષણ સ્ક્રીનીંગ દરમિયાન એનિમિયા હોવાનું બહાર આવ્યું. નંદિનીને આંગણવાડી કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી દવાઓથી આડઅસરો અનુભવાતી હતી. તેવામાં સુપોષણ સંગિની મીરાએ એનિમિયાને લડત આપવા નંદિનીને વૈકલ્પિક મિલેટ્સ આહારમાં અપનાવવા માર્ગદર્શન કર્યુ. દૈનિક આહારમાં આયર્નની જરૂરિયાતોને પહોંચી વળવા બાજરીએ સુપર ફૂડની ગરજ સારી. મિલેટ્સ પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ અને ખનિજોનો ભંડાર છે.

નંદિનીએ દૈનિક આહારમાં બાજરી લેવાનું શરૂ કરતાં એક જ વર્ષમાં હિમોગ્લોબિન સ્તરમાં સુધારો નોંધાયો. તે એનિમિયાના જોખમોમાંથી બહાર આવી ગઈ. એનિમિયાના દર્દીઓ માટે તે રોલ મોડેલ તરીકે ઉભરી આવી. બાજરી, જવાર અને કોદરી જેવી ધાન્યની જાતો છે, તેમજ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી મીરાએ તેમાંથી બનતી વાનગીઓને રસોઈ પ્રદર્શનમાં સામેલ કર્યા છે.

સુપોષણ સંગિની મનીષા સમુદાયોમાં બાજરીની વૈવિધ્યતા અને પોષકમૂલ્યોનું મહત્વ સમજાવવા ઇન્ટરેક્ટિવ સત્રો યોજી રહી છે. એટલું જ નહીં ધાન્યમાંથી તૈયાર કરેલી અવનવી પૌષ્ટિક વાનગીઓ અને તકનીકોથી લોકોને વાકેફ કરી રહી છે. સંગિનીઓના ઉમદા પ્રયાસોથી પ્રેરાઈને કેટલાય લોકોએ ભોજનમાં મિલેટ્સનો ઉપયોગ શરૂ કરી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવી છે.
મિલેટ્સ વધુ ખવાય તો જમીનની પૌષ્ટિકતા જળવાશે, ભારતીય ધાન્યને વૈશ્વિક ઓળખ મળશે. લોકોને આરોગ્ય અને ખેડૂતોની આર્થિક ઉન્નતિ થશે. સ્વસ્થ ભારતના નિર્માણ માટે સુપોષણ પ્રોજેક્ટ હેઠળની સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજમાં બદલાવ આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here