નર્મદા જિલ્લામાં ખાસ સ્વચ્છતા ઝુંબેશના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝૂંબેશને સફળ બનાવવા લોકભાગીદારી વધારી જનપ્રતિનિધિઓને સાથે રાખીને કાર્ય કરવા જિલ્લા કલેક્ટર નો સૌને અનુરોધ

સ્વચ્છતાની વિશેષ કામગીરીની વિગતો આફ્ટર-બિફોરનાં ફોટોગ્રાફ સાથે પોર્ટલ ઉપર અપલોડ કરવા કલેક્ટર ની સૂચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલું સ્વચ્છ ભારત અભિયાનની સફળતાનો શ્રેય પ્રજાના ફાળે જાય છે. હાલ સમગ્ર ભારતમાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ સ્વચ્છતા અભિયાનનું નર્મદા જિલ્લામાં પણ સુચારુ રીતે આયોજન થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં આજે સ્વચ્છતાલક્ષી એક ખાસ બેઠક યોજાઈ હતી.

સ્વચ્છતા હી સેવા અભિયાનના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ દ્વારા પ્રારંભમાં સમગ્ર અભિયાન અંગેની ભૂમિકા આપી જિલ્લામાં થનારા આયોજનની પ્રાથમિક માહિતી પુરી પાડવામાં આવી હતી. જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝૂંબેશને વધુ અસરકારક બનાવવા આગામી સમયમાં દૈનિક ધોરણે વિવિધ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. સ્વચ્છતા એ જ સેવાના અસરકારક અમલીકરણ માટે તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારમાં નોડલ અધિકારીની નિયુક્તિ કરવા તેમજ જિલ્લાના વિવિધ વિભાગોને પોતાના કાર્યક્ષેત્રમાં આવતા જાહેર સાહસો, એકમો, ઓફિસની આસપાસના વિસ્તારમાં સફાઈ ઝંબેશનું યોગ્ય આયોજન કરવા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ બેઠકમાં ઉપસ્થિત સૌ અમલીકરણ અધિકારીઓ એ જણાવ્યું હતું.

આ વિશેષ ઝુંબેશ અંતર્ગત શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ૨ કી.મી. સુધીમાં તમામ ગામના પ્રવેશ માર્ગો, ડોર ટુ ડોર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા કચરા એકત્રીકરણની પ્રવૃત્તિ વધુ સઘન બનાવવા ઉપરાંત કચરાના વર્ગીકરણ અને આખરી નિકાલની વ્યવસ્થા સુચારૂ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવા પર જિલ્લા કલેક્ટર એ ભાર મૂક્યો હતો.

સ્વચ્છતા સર્વોપરીના મંત્ર સાથે નર્મદા જિલ્લાના ગ્રામ્ય તથા શહેરના બસ સ્ટેન્ડ, મંદિર, બાગ બગીચા, પ્રવાસન સ્થળો, રોડ જંક્શન જેવા તમામ વિસ્તારોમાં જાહેર જગ્યાઓ લોકભાગીદારી અને સ્થાનિક જન પ્રતિનિધિઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા અને જિલ્લાના નાગરિકો પણ સ્વયંભૂ રીતે આ અભિયાનમાં જોડાય, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વોર્ડ અધિકારી કર્મચારી, કાઉન્સિલર, પ્રમુખ, ધારાસભ્યો, સરપંચ, સભ્યોને સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડીને વોર્ડ દીઠ જવાબદારી ગોઠવાય તેવું આયોજન કરી સમગ્ર અભિયાનને જન આંદોલન બની રહે તે માટે સહયોગ આપવા જિલ્લા કલેક્ટરે સૌને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક સર્વશ્રી નિરજકિમાર અને મિતેશ પટેલ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નાયેબ કલેક્ટર સુશ્રી પ્રતિભા દહિયા, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, તમામ તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here