નર્મદા જિલ્લાની આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ સુદઢ બનાવવા માટે GMERS મેડિકલ કોલેજ ખાતે ધારાસભ્ય ડો. દર્શના દેશમુખની અધ્યક્ષતામાં માર્ગદર્શન શિબિર યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા ને આરોગ્ય ક્ષેત્રે પ્રથમ હરોળ માં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ

આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ બહેતર બનાવવાના ઉમદા આશય સાથે યોજાયેલા વર્કશોપમાં આરોગ્ય વિભાગ સહિત ICDS, GMERS મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન, NGO, આંતરરાષ્ટ્રીય ડોનર્સ, આરોગ્ય સુપરવાઈઝર ગૃપ, શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓની સક્રીય સહભાગીતા આવકાર દાયક

નર્મદા જિલ્લામાં સ્માર્ટ રેફરલ સિસ્ટમ થકી આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ- સુવિધાઓ વધુ સુદઢ બનાવવાના ઉમદા આશય સાથે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતા અને પ્રેરક ઉપસ્થિતિમાં “સ્માર્ટ રેફરલ સિસ્ટમ – કોલ ટુ એક્શન” વિષય પર વર્કશોપ યોજાયો હતો. જેમાં સમૂહ ચિંતન, પ્રેઝન્ટેશન સહિત નિષ્ણાંતો દ્વારા પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં આરોગ્ય વિભાગ સહિત ICDS, GMERS મેડિકલ કોલેજ તથા રાજપીપલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરો-પ્રોફેસરો અને ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન, NGO, આંતરરાષ્ટ્રીય ડોનર્સ, આરોગ્ય સુપરવાઈઝર ગૃપ, શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેને જણાવ્યું કે, આ વર્કશોપનો ઉદ્દેશ્ય જિલ્લાના આરોગ્યલક્ષી વ્યવસ્થાને વધુ સુદઢ બનાવવાનો છે. “કોમ્યુનિકેશન રિસ્પોન્સ” થકી વહેલી તકે દાખલ કરી દર્દીને યોગ્ય સારવાર આપી દર્દીને સુરક્ષિત કરવા તેમજ માતા-બાળકના મરણના દરને ઘટાડવા માટેનો આ પ્રયાસ છે. “સૌના સાથ, સૌના પ્રયાસ” થકી જિલ્લામાં સારામાં સારીy આરોગ્ય સુવિધાઓ ઉભી કરવાનો અમારો સંકલ્પ છે.

વધુમાં શ્રીમતી દેશમુખે દ્રઢતાપૂર્વક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી એક વર્ષમાં જિલ્લાને આરોગ્યક્ષેત્રે પ્રથમ હરોળમાં લાવીને જનજન સુધી આરોગ્ય સુવિધા પહોંચાડીશુ. મે પણ આ હોસ્પિટલમાં નોકરી દરમિયાન સેવા આપી છે. જેથી સૌનો સાથ અને સૌની સહિયારી કૂચથી આ કાર્યને મૂર્તિમંત કરી શકાશે અને તેનો સીધો લાભ દર્દીને મળતો થશે. માત્ર સેવાની ભાવના જાગૃત કરવાની છે. ડોક્ટરો હંમેશા રિસ્કી ચેલેન્જને ઉપાડતા હોય છે. જે મે જાતે અનુભવ્યું છે.

રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મેડિકલ કોલેજ-હોસ્પિટલ સુધી પ્રાથમિકથી લઈને ઉચ્ચ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવે છે. ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી આરોગ્યની સેવાઓને મોનિટરીંગ કરવી શક્ય બની છે. ત્યારે માતા અને બાળકોને અપાતી સેવાઓને વધુ સુદઢ કરવાથી રાજ્યમાં માતા-બાળ મરણમાં ઉત્તરોત્તર ઘટાડો લાવીને ગંભીર પરિસ્થિતિમાં પણ તાત્કાલિક અને સમયસર સારવાર કેવી રીતે આપી શકાય તેના આયોજનના ભાગરૂપે આજરોજ યોજાયેલ વર્કશોપમાં સમયસર રેફરલ કરવાની પદ્ધતિ, તજજ્ઞની સેવાઓ, માનવબળ, SNCU અને બ્લડની ઉપલબ્ધતા હોસ્પિટલમાં જ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા ચર્ચા કરાઈ હતી.

આજે રાજ્યકક્ષાએ સ્માર્ટ રેફરલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય આશય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મેડિકલ કોલેજ સુધી અમલી કરવાનું છે. સિસ્ટમમાં દરેક હોસ્પિટલના માનવબળ જેવા કે મેડિકલ ઓફિસર, ગાયનોકોલોજિસ્ટ, પિડિયાટ્રિશિયન, ફિઝિશિયન વગેરે, લોહીની ઉપલબ્ધતા, દાખલ કરવામાં આવેલ માતા-બાળકની માહિતી અને જીપીએસ ટ્રેકિંગ થકી એમ્બ્યુલન્સની માહિતી નિભાવવામાં આવશે. વધુમાં એક ફેસિલિટીમાંથી અન્ય ફેસિલિટીમાં રીફર થતા દર્દીઓની સ્થિતિ અંગે મોબાઈલ (SMS) દ્વારા માહિતી મળશે જેના થકી માતા/બાળ રિફર સેવાઓનું લાઈવ મોનિટરીંગ થઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકના નેતૃત્વ હેઠળ જિલ્લો આરોગ્યક્ષેત્રે સિધ્ધીઓમાં ઉમેરો થઈ રહ્યો છે. ત્યારે ધારાસભ્ય દ્વારા પણ આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવીને સૌ સાથે મળીને આરોગ્યના ક્ષેત્રમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

1 COMMENT

  1. મેણાત સાહેબ સારી ફરજ બજાવતાનથી…કૌયસારા દયાભાવ વારા ડૌકટર નીભરતીકરૌ…તૌજ ગરીબૌનુ કલિયાણથાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here