નર્મદા : ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ રાજકીય પક્ષોના સહયોગ માટે નાયબ નિવાસી કલેક્ટરનો અનુરોધ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજકીય પક્ષોના હોદ્દેદારો સાથે ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત મતદાન મથકોની આખરી પ્રસિધ્ધિ અંગે યોજાઇ પરામર્શ બેઠક

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૧ ના જાહેર થયેલ કાર્યક્રમને અનુલક્ષીને નિવાસી અધિક કલેકટર અને રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેકટરાલય ખાતે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીશ્રી અને નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણ, રાજકીય પક્ષના હોદ્દેદારો અરવિંદભાઇ પટેલ, સહીત નાયબ કાર્યપાલક ઇજનેર અને નોડલ અધિકારી આર.બી ઝાહ, નાયબ મામદતદાર અને નોડલ અધિકારી પ્રવિણભાઇ ડાભી સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

ઉક્ત બેઠકને સંબોધતા વ્યાસે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં-૬૦, તિલકવાડા તાલુકામાં-૩૦, ગરૂડેશ્વર તાલુકામાં-૩૭, દેડીયાપાડા તાલુકામાં-૪૩ અને સાગબારા તાલુકામાં-૩૦ સહિત કુલ-૨૦૦ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, જેમાં વિવિધ કુલ-૫૩૬ જેટલા મતદાન મથકો નિયત કરાયેલા હોવાની જાણકારી પૂરી પાડી હતી. તેમજ ચૂંટણીને લગતી કામગીરી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને તટસ્થ રીતે વધુ સુદ્રઢતાથી થાય અને રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપાલન થાય તેની કાળજી રાખવાની વ્યાસે સૂચના આપી હતી. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની સાથે જ આચારસંહિતા લાગુ થઇ જતી હોય છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે અમલી બનતી હોય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ પોસ્ટલ બેલેટ પેપરથી થતી હોવાથી મતદાન યોગ્ય રીતે થાય અને મતદાન કરતી વખતે મત નકામો ન જાય તે માટે લોકોમાં જાગૃત્તિ લાવવાની તેમણે હિમાયત કરી હતી.

રાજકીય પક્ષના હોદ્દેદાર અરવિંદભાઇ પટેલે ઉક્ત બેઠકમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ પેટા ચૂંટણીઓ જિલ્લામાં મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે જિલ્લાના નિયત કરાયેલા ગામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું સૂચન કર્યું હતું.
ઉક્ત બેઠક અગાઉ નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક એ.ડી.ચૌહાણે નાંદોદ તાલુકાના વડીયા ગામના પ્રાથમિક શાળા ખાતે મતદાન મથકની મુલાકાત લીધી હતી. જેમાં પ્રાથમિક સુવિધાઓ ચકાસી હતી અને જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here