નર્મદા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં IAS ઓફિસર્શ ની મુલાકાત સંદર્ભે વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મસુરી તાલીમ સેન્ટરના ૧૪ IAS તાલીમી ઓફિસર્સ નર્મદા જિલ્લાની મુલાકાતે આવશે

તાલીમાર્થી ઓફિસર્સના અતિથિ સત્કાર, ગ્રામીણ છાત્રાવાસ સહિતની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સોંપાઈ, જેને સુપેરે પાર પાડવા અનુરોધ કરતા કલેક્ટર

દેડિયાપાડા તાલુકાના ડુમખલ અને સામોટ ગામે પાંચ દિવસ ગ્રામીણક્ષેત્રની જાણકારી અને સરકારી સુવિધાઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવશે : તાલીમી ઓફિસર્સ આદિજાતિ સમાજની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે

ભારત સરકારની સિવિલ સર્વિસ માટેની UPSC ક્લિયર કરીને ઓફિસર્સને તાલીમ આપતી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી (લબાસના), મસૂરી ખાતે તાલીમ લઈ રહેલા ૧૪ જેટલા IAS ટ્રેનર ઓફિસર્સ નર્મદા જિલ્લાની મુલાકાતે આગામી તા.૨૬મી ઓગષ્ટથી પધારનાર છે. જિલ્લામાં આવી રહેલા તાલીમી અધિકારીઓના અતિથિ સત્કાર, ગ્રામીણક્ષેત્રની માહિતીથી વાકેફ કરવા સહિત રોકાણ અને મુલાકાત સહિતની તમામ આનુષાંગિક વ્યવસ્થા માઈક્રો પ્લાનિંગ અંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

નર્મદા જિલ્લામાં આવનારા તાલીમી ઓફિસર્સ “ફિલ્ડ સ્ટડી એન્ડ રિસર્સ પ્રોગ્રામ (FSRP)” અંતર્ગત દેડિયાપાડા તાલુકાના ડુમખલ અને સામોટ ગામે રોકાણ કરી આદિજાતિઓની જીવનશૈલી અને આજીવિકા વિષય પર અભ્યાસ કરશે. આ તાલિમી અધિકારીઓ તા. ૨૬મી ઓગસ્ટથી ૩જી સપ્ટેમ્બર, ૨૦૨૩ દરમિયાન ડુમખલ અને સામોટમાં રહીને વનરાજીનું નિરિક્ષણ, અભ્યાસ સાથે વિવિધ સ્થળોની મુલાકાત કરશે. જિલ્લામાં આ તાલીમી ઓફિસર્સના આગમન સંદર્ભે રોકાણ વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, સ્વચ્છતા, આવા-ગમન માટે જરૂરી વાહનોની વ્યવસ્થા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જિલ્લાના વન વિસ્તારોની મુલાકાત, એડવેન્ચર અંગેની આનુષાંગિક વ્યવસ્થાઓના માઈક્રો પ્લાનિંગ સહિત સુચારુ ટાઈમ ટેબલ ગોઠવવા અંગે જેમને જવાબદારી સોંપાઈ છે તેવા જિલ્લાના અધિકારીઓને જરૂરી સૂચનો કરવા સાથે ઓફિસર્સની સુરક્ષા પર કલેક્ટર એ વિશેષ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક નીરજકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના એસ.એચ.મોદી, દક્ષિણ ગુજરાત વીજ કંપની-રાજપીપલાના કાર્યપાલક ઈજનેર એચ.ટી.પ્રજાપતિ, દેડિયાપાડના પ્રાંત અધિકારી આનંદ ઉકાણી, એ.આર.ટી.ઓ. નર્મદા શ્રીમતી નિમિષા પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ વસાવા, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડિયા, દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી સેજલ સંગાડા ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here