નર્મદા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા કલેકટર ની અધ્યક્ષતા મા યોજાયેલ બેઠકમાં નાગરિકો જનપ્રતિનિધિઓના લેખિતમાં આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા ઉપર ભાર મૂકતા કલેક્ટર

નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંગભાઈ તડવી, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં હાજરી આપી પ્રશ્નોના કાયમી નિકાલ અંગે સીધો સંવાદ કરી ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી દ્વારા ICDS આંગણવાડીના બાળકોને બેસવાની વ્યવસ્થા તથા શાળાના ઓરડાના બાંધકામ અંગે, શિક્ષણ વિભાગ તથા વાવાઝોડા બાદ સર્વેની કામગીરી અને મનરેગાના બીલના ચૂકવણાની સ્થિતિ જેવી બાબતો અંગે રજૂ કરેલા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા સાથે રચનાત્મક સૂચનો કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી લોક સુખાકારીમાં વધારો કરવા અપીલ કરી હતી.

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પ્રાથમિક શાળાના ઓરડાઓ, આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ, મનરેગા અંતર્ગત થયેલા કામો અને તેના ચૂકવણા, વન વિભાગ દ્વારા થઈ રહેલા કામો, જિલ્લામાં રોડ-રસ્તા, સિંચાઈ યોજનાઓ, વિકાસશીલ તાલુકાના કામો વગેરે બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરી નાગરિકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવી જીવન જરૂરીયાત વાળા કામોને પ્રાથમિકતા આપવા અંગે રજૂઆત કરી હતી. અને ધારાસભ્યશ્રી દ્વારા સૂચવેલા કામોને પ્રાથમિકતા તથા તાલુકાની સમિતિની મિટીંગ વખતે જાણ કરવા પર ભાર મૂક્યો હતો.

જિલ્લા સંકલનની પ્રારંભ બેઠકમાં ભાગ ૧-૨ માં અધિકારી/કર્મચારીઓ, કચેરીઓને લગતા પ્રશ્નો તેમજ એકબીજા વિભાગોને સંકલનમાં રહીને કરવાના કામો, આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા જેવા પ્રશ્નો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જણાવ્યું હતું. વધુમાં લોકો દ્વારા તથા જનપ્રતિનિધિશ્રીઓના લેખિતમાં આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા જણાવ્યું હતું. માત્ર એટલુંજ નહીં પણ જે-તે વિભાગો દ્વારા નિકાલ કરાયેલી કામગીરીની ત્વરિત જાણ કરવા પણ વિભાગોને સૂચના આપવામાં આવી હતી.

જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા સમયાંતરે ટેન્ડર નોટીસ-નિવિદા સહિતની જાહેરખબરો અખબારોમાં જિલ્લા માહિતી કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે. તેના બાકી બિલોનું સમયસર ચૂંકવણું થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલનના તમામ વિભાગોને ભાર પૂર્વક સૂચના આપી હતી.

બીજી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે જિલ્લા પોલીસવડાશ્રી પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અશાંતધારા, તડીપાર, હથિયાર પરવાના, પોલીસ સ્ટેશનની તપાસ નિરીક્ષણ અને રોડ પરના અડચણરૂપ વૃક્ષનું ટ્રીમીંગ અને જિલ્લામાં પ્રાંત-મામલતદારના સંકલનમાં રહીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ જરૂરી પરમિશન માટે પરામર્શ તથા અભિપ્રાય આપીને જરૂરી કામગીરી કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, નાયબ વન સંરક્ષક નિરજકુમાર,પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાંદોદના પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી, દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા સહિત જિલ્લા અને તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here