ગ્રીન ગ્રોથ અભિયાન અંતર્ગત વિશ્વ પર્યાવરણની જાળવણી માટે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દોડાવવામાં આવતાં ઈલેક્ટ્રોનિક વાહનો

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

એકતાનગરમાં ઈ-રીક્ષા ચલાવવાથી આદિવાસી મહિલાઓ આત્મનિર્ભર બની : ૯૦ જેટલી મહિલાઓ પરિવારમાં આર્થિક ખુશહાલી લાવી

બહેનો ઈ-રિક્ષા ચલાવતી હોવાથી પ્રવાસીઓ સલામતીનો અહેસાસ કરી રહ્યાં છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૯૦ ઈ-રીક્ષા ૪૨ જેટલા અધિકારીઓ માટે ઈલેક્ટ્રીક વાહનોનું સફળ સંચાલન પર્યાવરણ જાળવવામાં કારગત સાબિત થયા

ઇકો ટુરીઝમના માધ્યમથી પર્યાવરણ જાળવણી, વનવિસ્તારની હરિયાળીની જાળવણી, પ્રાકૃતિક સૌંદર્યનો સરદારના સાનિધ્યમાં અખૂટ ખજાનો, વિંધ્યાચલ અને સાતપુડાની નયનરમ્ય ટેકરીઓ- ગિરીકંદરાઓ પ્રવાસીઓના મન મોહી લે છે

“ એક વર્ષ પહેલાં અમે ઘરકામ કરી માત્ર સામાન્ય ગ્રામીણ ગૃહિણી ટ્રાયબલ તરીકેની ઓળખ ધરાવતા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારે એકતાનગર(કેવડિયા)માં ઈ-રીક્ષાનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારથી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પ્રોજેક્ટમાં ફરવા આવતા દેશ વિદેશના પ્રવાસીઓની માગને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને ઈ-રીક્ષા મારફત ફરવા લઈ જઈએ છીએ. ઈ-રીક્ષા ચલાવવાથી અમે આર્થિક રીતે પગભર થયા જ છીએ અને પરિવારમાં આર્થિક સહયોગ પૂરો પાડવા અમે આત્મનિર્ભર બની સક્ષમ બન્યા છીએ. કેવડિયામાં ઈ-રીક્ષા શરૂ થવાથી અમારા પરિવારની આર્થિક સમૃદ્ધિતો થઈ જ છે પરંતુ સાતપુડા અને વિંધ્યાચળની ગીરીમાળાઓમાં આવેલા વન વિસ્તાર અને પર્યાવરણને પણ નુકશાન થતું નથી. વન વિસ્તારની હરિયાળી જળવાઈ રહેવા સાથે દેશ વિદેશના પ્રવાસીઓને પણ આનંદ અને મોજ આવે છે. અમારા પરિવારમાં સમૃદ્ધિ થકી ખુશહાલી આવી છે….” મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ સાથેની આ અભિવ્યક્તિ વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પિંક રિક્ષાનું સફળતા પૂર્વક સંચાલન ડ્રાયવિંગ કરતી સ્થાનિક આદિવાસી બહેનોની છે, જેથી નર્મદે સર્વદેની ઉક્તિ ખરા અર્થમાં સાચી ઠરી રહી છે.

પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તેવી વડાપ્રધાન નરેન્દ્ મોદીની દુરંદેશી નિતી અને અમારા પ્રત્યેની લાગણી રહી છે. આ દિશામાં એક કદમ આગળ વધતા ૫ જુન ૨૦૨૧નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમયે વડાપ્રધાન નરેન્દ્ મોદીએ SOUADTGA વિસ્તારમાં પ્રદુષણ ઓછું થાય તેવા શુભ આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. જે સ્વપ્ન સાકાર થતા ઓગષ્ટ- ૨૦૨૧માં જ પ્રારંભિક ધોરણે ૧૦ જેટલી મહિલા સંચાલિત ઇ-રીક્ષાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. જે આજે એકતાનગરના રાજમાર્ગ પર દોડી રહી છે. તબક્કાવાર આસપાસના ગામોની મહિલાઓને વાગડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે ઇ-રીક્ષા પરિચાલનની મહિલા પાયલોટને વિધિસરની તાલીમ આપી એઆરટીઓ-નર્મદા દ્વારા રીક્ષા ચલાવવાનું ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. ડ્રાઈવિંગની યોગ્ય તાલીમ બાદ ઈ-રિક્ષામાં વધારો કરાતા આજે સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ૯૦ જેટલી ઈ-રીક્ષાઓના માધ્યમથી સ્થાનિક આદિવાસી મહિલાઓ દેશ-વિદેશ અને ગુજરાતભરમાંથી આવતા પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સુગમતા પૂર્વક સલામત સુવિધા પુરી પાડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ-એકતાનગર (SOUADTGA)ના અધિકારીશ્રીઓના આવા-ગમન માટે પણ ૪૨ જેટલા ઈલેક્ટ્રીક વિહિકલ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

વાગડિયા ગામના પિન્ક ઈ-રીક્ષા ચાલક શ્રીમતી નીલમબેન તડવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, અહીં આવતા પ્રવાસીઓને ઈ-રીક્ષા ખૂબ જ પસંદ આવી રહી છે. બહેનોને રીક્ષા ચલાવતા જોઈને પ્રવાસીઓ પણ ખૂબ જ ખુશી અને આનંદ અનુભવી રહ્યા છે. આ ઈ-રિક્ષા ચલાવવાથી અમને ખૂબ ખુશી થાય છે. આ એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં માત્ર બહેનો એક સાથે આટલી બધી રીક્ષા ચલાવી રોજગારી મેળવી આત્મનિર્ભર તરફ મક્કમ મનોબળથી આગળ વધી રહી છે. આ ઈ-રીક્ષા કેવડિયાની આસપાસના બહેનો માટે રોજગારીનું ઉત્તમ માધ્યમ બની રહ્યું છે. ઈ-રીક્ષા ચલાવી રોજગારી મેળવવાથી અમારા ઘર-પરિવારમાં પણ અમારી ઈજ્જત-આબરૂ વધી છે. ઈ-રીક્ષાના માધ્યમથી અમે જાતે પગભર થતા પરિવારનું આર્થિક નિરવહન કરવામાં પણ મદદરૂપ થઈ શક્યા તેનો અમને અપાર આનંદ છે. સાથે વડાપ્રધાન નો આભાર વ્યક્ત કરીએ છીએ.
કેવડિયા નજીકના કોઠી ગામના વતની શ્રીમતી જ્યોતિબેન તડવી કહે છે કે, હું અહીંયા દોઢ વર્ષથી ઈ-રીક્ષા ચલાવું છું. તેનાથી અમને ઘણો આર્થિક ફાયદો થયો છે. ઈ-રીક્ષા ચલાવી દોઢ વર્ષથી હું મારું ઘર સારી રીતે સંભાળી શકું છું. મારા પતિને હું આર્થિક રીતે મદદરૂપ થાઉં છું અને મારા પરિવારના દરેક સભ્યોની જરૂરિયાતને પૂરી કરી શકું છું. સૌથી મહત્વની બાબત તો એ છે કે આ રીક્ષાઓ ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે તે પર્યાવરણ માટે પણ ખૂબ સારું છે. ઈ-રીક્ષા કેવડિયામાં આવતા અમારા વિસ્તારને ઘણો ફાયદો થયો છે. અમે પણ પ્રવાસીઓને મહેમાનની જેમ આવકારીએ છીએ.
નવાગામના વતની અને ઈ-રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રીમતી જશોદાબેન તડવીએ જણાવ્યું કે, મને ઈ-રિક્ષા ચલાવવાની તાલીમ મળી ત્યારથી લઈને હાલમાં હું રીક્ષા ચલાવી આર્થિક રીતે પગભર બની છું જેનો મને ખૂબ આનંદ છે. અહીં પ્રદૂષણ ખૂબ ઓછું છે. દિવસ દરમિયાન અલગ-અલગ પ્રાંતના પ્રવાસીઓ સાથે મળવાનું-સંવાદ કરવાની તક અમને મળે છે. પ્રવાસીઓને અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે માહિતગાર પણ કરીએ છીએ અને પ્રવાસીઓ અમને તેમના પ્રદેશની ખાસિયતો વિશે જણાવે છે. આ સંવાદ થકી અમને પણ દેશ અને દુનિયાની જાણકારી મળે છે. સાથે એક રીક્ષા ચાલક તરીકે ગૌરવ અનુભવીએ છીએ. મહિલાઓને ઈ-રીક્ષા ચલાવતા જોઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા પ્રવાસીઓ ખૂબ ખુશ થઈ જાય છે. સુરક્ષાનો ભાવ તેમનામાં મહેસુસ થાય છે. અમે પણ આ ઈ-રીક્ષા ચલાવી ખુશી સાથે ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ. અતિથિ દેવો ભવની ભાવના રાખીએ છીએ.
મહારાષ્ટ્રથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહારાષ્ટ્રના જલગાંવથી પોતાના પરિવાર સાથે ફરવા આવેલા એક પ્રવાસી મનોજચંદ્ર જલગાંવકરે ઈ-રિક્ષામાં પ્રવાસ કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વની અજાયબીઓમાનું એક હોય તેવી અનુભૂતિ અહીં સરદાર સાહેબના સાનિધ્યમાં આવીને અમને થાય છે. પ્રવાસીઓને હરવા ફરવા માટેની આ ખૂબ સારી, સુંદર અને રમણીય જગ્યા છે. આ સ્થળની એક વિશેષ વાત એવી છે કે અહીં ઈ-રીક્ષાનો જે કોન્સેપ્ટ છે તે ખૂબ સારો છે. પ્રકૃતિના જતન માટે અનેકવિધ કાર્યો થતા હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પર્યાવરણની જાળવણીનું ખરેખર ધ્યાન રાખવામાં આવ્યું છે. મહિલાઓ ઈ-રિક્ષા ચલાવતી હોવાથી પ્રવાસીઓ પણ સલામતીનો અહેસાસ કરી રહ્યાં છે. ઈ-રીક્ષામાં બેઠા પછી પ્રવાસીઓ નિશ્ચિંત થઈને પ્રવાસ કરી શકે છે. મહિલા જ્યારે ઈ-રિક્ષા ચલાવતી હોય ત્યારે પાછલી સીટ ઉપર બેસીને પ્રવાસીઓ સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ મોદીએ કેવડિયાને ઇલેક્ટ્રીક વિહિકલ ઝોન તરીકે વિકસાવવાનું જાહેર કરતા ઓગસ્ટ- ૨૦૨૧ થી અહીં ઈ-રીક્ષાનું સંચાલ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર કેવડિયા વિસ્તારમાં અલગ-અલગ ૯૦ જેટલી ઈ-રીક્ષા ચાલી રહી છે. ઈ-રિક્ષાનું સંચાલન કરતી ખાનગી કંપની સાથે ૭૦ થી ૮૦ બહેનો જોડાયેલા છે. જેમને લોકલ ફોર વોકલના સૂત્ર સાથે ઈ-રીક્ષાના માધ્યમથી રોજગારી પૂરી પાડવામાં આવે છે. રીક્ષા સર્વિસ સ્ટેશનમાં પણ ૧૦ થી ૧૨ સ્થાનિક આદિવાસી યુવાનો કામ કરે છે અને રીક્ષાનું મેઈન્ટેનન્સ, મેકેનિકલ કામ કરી રેડી ટુ ઓર્ડરમાં આ રીક્ષા રાખે છે. કેવડિયા આસપાસના ગામોની બહેનો ઈ-રીક્ષા ચલાવી દિવસના એવરેજ રૂપિયા ૧૫૦૦ થી ૨૦૦૦ની ચોખ્ખી આવક મેળવી તેમાંથી મિનિમમ વેજીસ પ્રમાણે ૭૦૦ રૂપિયા રીક્ષા ભાડું કંપનીને ચૂકવે છે, બાકીની જે આવક થાય છે તેમાંથી બહેનો પોતાનું ઘર ચલાવે છે. દોઢ વર્ષના સમયગાળામાં ઈ-રીક્ષાના માધ્યમથી હાલની સ્થિતિએ દરેક બહેનો મહિને ૨૦ થી ૨૨ હજાર રૂપિયાની આવક મેળવી રહ્યાં છે. હાલના તબક્કે અંદાજે ૯૦ લોકો આ ઈ-રીક્ષાના પ્રોજેક્ટ થકી રોજગારી મેળવી રહ્યાં છે.

આમ જોઈએ તો, પર્યાવરણની જાળવણી સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગાર આપવાનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવ્યુ હતું તે આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સાચા અર્થમાં સાકાર થઈ રહ્યું છે. આદિવાસ મહિલાઓની મહેનત રંગ લાવી રહી છે. ઇકો ટુરીઝમના વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક-આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવાનો પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મુકાયો છે, તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બનવા સાથે સ્થાનિકોને રોજગારી આપવાનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. સાથે સંપર્કનો સેતુ અને સંવાદની સડક પુરવાર થઈ રહી છે. વડાપ્રધાન ના એક નિર્ણયથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વિહિકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનવા તરફ પ્રયાણ કરી આગળ વધી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here