કાલોલના પત્રકારને ધમકી….. કાલોલ શહેરમાં કોરોના કાળચક્રના પાશમાં કોરોનાથી પ્રથમ મહિલાનું મોત અને વધુ એક યુવક કોરોના પોઝીટીવ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ શહેરમાં કોરોનાનું કાળચક્ર ફેલાતા ૧૭ પોઝીટીવ કેસ પૈકી પહેલું ૫૩ વર્ષીય મહિલાનું વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર દરમિયાન મોત નીપજ્યું કોરોના કહેરનો હડકંપ મચ્યો હતો. મુળ દાહોદના વતની અને હાલ કાલોલ શહેરની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા ઉષાબેન રમેશભાઇ વરીયા (ઉ.વ. ૫૩) હજી બે દિવસ પહેલા જ તેમની શ્વાસની બિમારીને પગલે તબિયત લથડતા વધુ સારવાર અર્થે વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં મંગળવારે સાંજે તેમના કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પરંતુ દુર્ભાગ્યે એ ખાનગી હોસ્પિટલમાં એક જ દિવસની કોરોના સારવારને અંતે ગુરુવારે રાત્રે મહિલાનું કરુણ મોત નિપજ્યું હતું. આમ કાલોલ શહેરમાં ૧૭ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ પૈકી પ્રથમ કોરોના મોતનો કિસ્સો નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નવાપુરા વિસ્તારના આધેડ એવા અશોકભાઈ દરજીનું મોત નીપજ્યું હતું, પરંતુ તેમના કિસ્સામાં તેમને કોરોના સારવારને અંતે તેમનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યા પછી મોત નીપજ્યું હોવાને કારણે તંત્ર દ્વારા તેમનું મોત કોરોના સંક્રમણથી થયું હોવાની ગણતરી કે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. જેને પગલે કાલોલ શહેરમાં કોરોનાથી મહિલાનું પ્રથમ મોત ગણાવ્યું હતું.
જ્યારે બીજી તરફ શહેરમાં કોરોના સંક્રમણનો પ્રભાવ વધતા ગુરુવારે રાત્રે શહેરની શ્રીજી સોસાયટી વિસ્તારના હાલોલ જીઆઇડીસીમાં ખાનગી હોસ્પિટલમાં કામ કરતા ૩૩ વર્ષિય યશ રમેશભાઇ વરીયા નામના યુવાન તાવમાં પટકાતા તેનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા અત્યાર સુધી કોરોનાથી આબાદ રહેલા સમગ્ર કોલેજ વિસ્તારમાં પણ હડકંપ મચ્યો હતો. જે અસરગ્રસ્ત યુવક ખાનગી કંપની કે અપડાઉન દરમિયાન સંક્રમણથી પ્રભાવિત થવાને પગલે ગુરુવારે રાત્રે જ કોરોના સારવાર અર્થે તાજપુરા સ્થિત કોરોના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

આમ કાલોલ નગરમાં કોરોનાએ પ્રભાવ જમાવતા કોરોના પોઝીટીવના કુલ ૧૭મો કેસ નોંધાયો હતો જ્યારે તાલુકામાં ૨૭મો કેસ પૈકી ૨ મોત અને ૧૩ ડિસ્ચાર્જ સાથે હાલમાં ૧૨ જેટલા અસરગ્રસ્તો સારવાર હેઠળ હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

કાલોલ શહેરમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં પોઝીટીવ કેસને પગલે તંત્ર દ્વારા સમગ્ર રાધાકૃષ્ણ સોસાયટી વિસ્તારને આવરી લઈને સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જે અંગે કન્ટેનમેન્ટ ઝોનમાં અસરગ્રસ્ત બનેલા કેટલાક ઇસમોની આગેવાની હેઠળ ૫૦ જેટલા લોકો ગુરુવારે રાત્રે સાડા અગિયારના સુમારે કન્ટેનમેન્ટ ઝોન અને રાત્રીના સમયના કર્ફ્યુના જાહેરનામાનો ભંગ કરી ગુજરાત મિત્ર અને વડપ્રદ ટુડે ના પત્રકાર વિરેન્દ્ર મહેતા ના ઘર આંગણે ઘસી જઈને પત્રકાર સાથે તમે અમારો વિસ્તાર કન્ટેનમેન્ટ કરાવ્યો છે એવા આક્ષેપ સાથે ધાકધમકી આપી અસભ્ય વર્તન કરતા ઘસી આવેલા સમગ્ર ટોળા વિરૃધ્ધનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જે અંગે રાત્રીના સુમારે પત્રકારને ઘેર સુધી ઘસી આવેલા સ્ત્રી પુરુષો ના ટોળા વિરુદ્ધ કન્ટેનમેન્ટ ઝોન અને કર્ફ્યુ ભંગ હેઠળ કાલોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી (૧) ઉદય ઠાકોરભાઈ પટેલ (૨) અરૂણભાઇ ઠાકોરભાઈ પટેલ (૩) અલ્પેશ ભાઈ કાછીયા પટેલ (૪)શિવમ અલ્પેશભાઈ કાછીયા પટેલ ની જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here