એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત પંચમહાલના ઘોઘંબા ખાતે સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમ યોજાશે

ઘોઘંબા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ભારત સરકારના નીતિ આયોગ દ્વારા “મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ” શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યનાં 10 જિલ્લાનાં 13 તાલુકાઓ પૈકી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતગર્ત “સંપૂર્ણતા અભિયાન” શરૂ થવા જઈ રહ્યું છે. જે અન્વયે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે તા.4/7/2024ના રોજ સવારે 10.30 કલાકે સ્વામિનારાયણ મંદિર,કણબી પાલ્લી ખાતે “સંપૂર્ણતા” અભિયાન લોન્ચ કાર્યક્રમ યોજાશે,જેમાં પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર, નીતિ આયોગ દિલ્હીથી પધારેલ મહાનુભાવો,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા,સાંસદ સભ્યશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.કાર્યક્રમ અંતર્ગત ઉદ્દબોધન, મેડિકલ વિશેષજ્ઞ દ્વારા ડાયાબિટીસ અને હાયપરટેન્શન વિષય ઉપર ઉદ્દબોધન, સંપૂર્ણતા પ્રતિજ્ઞા, રેલી તથા સી.એચ.સી ઘોઘંબા ખાતે હેલ્થ કેમ્પ, ડાયાબિટીસ અને હાઇપર ટેન્શન સ્ક્રિનિંગ માટેનું ઉદ્દઘાટન કરાશે.

આ કાર્યક્રમ અંતર્ગત મહત્વકાંક્ષી તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં 100 % સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી દેશભરમાં “સંપૂર્ણતા અભિયાન” ચલાવવામાં આવનાર છે. આ સૂચક અંકોની સંતૃપ્તિ માટે તા.4 જુલાઈ થી તા.30 સપ્ટેમ્બર, 2024 એમ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એકશન પ્લાન મુજબ “સંપૂર્ણતા અભિયાન” હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચતા કરવા સરકાર પ્રતિબદ્ધ છે, ત્યારે વિકાસ સાધવામાં પાછળ રહી ગયા હોય તેવાં જિલ્લા, તાલુકા, ગામ, વિસ્તારોને વિકાસની અગ્રીમ હરોળમાં લાવવા માટે સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારના ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (NITI)’ નીતિ આયોગ દ્વારા દેશભરમાંથી 112 મહત્વકાંક્ષી જિલ્લાઓ તથા 500 જેટલા મહત્વકાંક્ષી તાલુકાઓ (Aspirational Block Programme -ABP) જાહેર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here