“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”..

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

મેદસ્વિતા મુક્તિ માટેના અસરકારક પગલાં : ​સ્વસ્થ જીવનશૈલી, યોગ-પ્રાણાયામ, પોષણયુક્ત આહાર…

વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણ માટે તેના નાગરિકોનું સ્વાસ્થ્ય અને ફિટનેસ પાયાની જરૂરિયાત છે. આ ઉદ્દેશને સાકાર કરવા માટે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન કાર્યરત છે. આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલીના કારણે મેદસ્વિતાનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મેદસ્વિતા માત્ર શારીરિક દેખાવનો પ્રશ્ન નથી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવા ગંભીર બિનચેપી રોગો થવાનું જોખમ પણ વધારે છે.
મેદસ્વિતા ઘટાડવા માટે જીવનશૈલીમાં ફેરફાર લાવવો સૌથી મહત્વપૂર્ણ છે. દિનચર્યામાં સુધારો કરવો, જેમ કે સમયસર ભોજન લેવું અને પૂરતી ઊંઘ લેવી. આહારમાં પણ પૌષ્ટિક અને કુદરતી ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. આ સાથે, નિયમિત વ્યાયામને જીવનનો અભિન્ન ભાગ બનાવવો જોઈએ. દરરોજ ૩૦-૪૫ મિનિટ માટે દોડવું, ચાલવું કે તરવું જેવી કસરતો લાભદાયક છે. યોગ અને પ્રાણાયામ પણ એટલા જ અગત્યના છે, અને આયુર્વેદિક ઉપાયો જેવા કે અશ્વગંધાના પાન, ત્રિફળા ચૂર્ણ અને ગરમ પાણીનું સેવન પણ મેદસ્વિતા નિયંત્રણમાં મદદ કરી શકે છે. વજન ઘટાડવામાં યોગાસન અને પ્રાણાયામ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સૂર્ય નમસ્કાર ચરબી ઓગાળવા માટે અત્યંત અસરકારક છે, જ્યારે ધનુરાસન કમર અને પેટની ચરબી ઘટાડે છે. નૌકાસન પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે. પ્રાણાયામમાં, કપાલભાતિ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને ચરબી ઓગાળે છે, જ્યારે ભસ્ત્રિકા શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારીને મેદસ્વિતા સામે લડે છે. અનુલોમ-વિલોમ મેટાબોલિઝમ સુધારે છે અને શરીરની ઊર્જાને સંતુલિત કરે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના આંકડાઓ પ્રમાણે, વૈશ્વિક સ્તરે સ્થિતિ ગંભીર છે: વિશ્વમાં દર આઠ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ મેદસ્વિતાથી પીડાય છે. ૧૮ વર્ષથી વધુ વયના લોકોમાં સરેરાશ કરતાં વધુ વજન ધરાવતા અને મેદસ્વિતાના પ્રમાણ વધતા જોવા મળી રહ્યા છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ના સૂત્રને અપનાવીને મેદસ્વિતા પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને સમાજમાં બિનચેપી રોગોનું ભારણ ઘટાડવું અત્યંત જરૂરી બની ગયું છે. આ મેદસ્વિતારૂપી પડકારનો સામનો કરવા માટે મેદસ્વિતા નિવારણના પગલાં લેવા અનિવાર્ય છે. ઉપર બતાવેલા સહિતના પગલાં અપનાવીને આપણે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના લક્ષ્ય તરફ આગળ વધી શકીએ છીએ.