ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-
છેલ્લા ૧૮ વર્ષથી નજીવા કમિશન પર કામ કરતા ઓપરેટરો દ્વારા શોષણ થતું હોવાનો આક્ષેપ, જોબ સિક્યોરિટી અને વીમા કવચની પણ માંગ…

ગાંધીનગર: ‘ડિજિટલ ગુજરાત’ના પાયાના કર્મચારી ગણાતા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (VCE) ઓપરેટરોના પડતર પ્રશ્નો અંગે “ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ” દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , પંચાયત મંત્રી ઋષીકેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના પંચાયત મંત્રી સંજયસિંહ મહિડા સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. મંડળે તાત્કાલિક બેઠક બોલાવીને માંગણીઓનું નિરાકરણ લાવવા અપીલ કરી છે.
મંડળના પ્રમુખ મનહરસિંહ બી. ઝાલા અને મહામંત્રી પંકજકુમાર જી. પરમાર દ્વારા ૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે, છેલ્લા ૧૮ વર્ષથી હજારો VCE ઓપરેટરો ગામડાંઓમાં સરકારની યોજનાઓને લગતી કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી બદલ તેમને માત્ર ૧, ૩, ૫ કે ૮ રૂપિયા જેવું નજીવું કમિશન મળે છે , જેના કારણે તેમનું મોટા પાયે શોષણ થઈ રહ્યું છે.
રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, એક જ ‘ઈ-ગ્રામ યોજના’ હેઠળ કામ કરતા અન્ય કર્મચારીઓને પગાર અને અન્ય લાભો મળે છે , પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા VCE ને માત્ર કમિશન આપી અન્યાય કરાઈ રહ્યો છે. આ બાબત ‘સમાન કામ, સમાન વેતન’ ના સિદ્ધાંતનો ભંગ છે.
મંડળ દ્વારા કરાયેલી મુખ્ય માંગણીઓ:
ફિક્સ વેતન/લઘુતમ વેતન: મંડળની મુખ્ય માંગ છે કે કમિશન પોલીસી તાત્કાલિક બંધ કરી VCE ઓપરેટરોને ફિક્સ વેતન અથવા લઘુતમ વેતન આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે VCEની ભરતી તાલુકા પંચાયત કક્ષાએ પરીક્ષા લઈને તાલુકા વિકાસ અધિકારીશ્રીના હસ્તે નિમણૂક આપીને કરાઈ હતી.
જોબ સિક્યોરિટી: VCE ને ગમે તે સમયે નિયમો વિરુદ્ધ છૂટા કરી દેવામાં આવે છે. તેમને નોકરીમાં રક્ષણ મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
આરોગ્ય વીમા કવચ: કોરોના મહામારી સમયે ૨૫ જેટલા VCE ઓપરેટરો મૃત્યુ પામ્યા હતા. VCE ઓપરેટરો કમિશન પર કામ કરતા હોવાથી ગંભીર બીમારીના સમયે તેમને કોઈ આર્થિક સુરક્ષા મળતી નથી, આથી તેમને આરોગ્યલક્ષી વીમા કવચ પૂરું પાડવા વિનંતી કરાઈ છે.
છૂટા કરાયેલા VCE ને પરત લેવા: રાજકીય કિન્નાખોરી અથવા અન્ય વિભાગોના અધિકારીઓના દબાણ હેઠળ જે VCE ઓપરેટરોને નિયમ વિરુદ્ધ છૂટા કરવામાં આવ્યા છે, તેમને તાત્કાલિક પરત લેવા માટે હુકમ કરવા રજૂઆત કરાઈ છે.
મંડળે અગાઉ ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩ માં થયેલી બેઠકોમાં આપેલી બાંહેધરીઓ યાદ અપાવી, VCE ઓપરેટરોના હિતમાં ન્યાય મળે તે માટે ઘટતી કાર્યવાહી કરવા સરકારને અપીલ કરી છે.