ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ પાસે સર્જાયો બનાવ, એન્જિનમાંથી ધુમાડા નીકળ્યા બાદ કાર આગની લપેટમાં

વડોદરા: શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી મહારાણી કન્યા વિદ્યાલયના મુખ્ય ગેટ બહાર પાર્ક કરેલી એક કારમાં સોમવારે અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારના એન્જિન ભાગમાંથી ધુમાડા નીકળ્યા બાદ આગ ઝડપથી ફેલાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ, દાંડિયા બજાર ત્રણ રસ્તા નજીક મહારાણી કન્યા વિદ્યાલયના પાછળના પ્રવેશદ્વાર પાસે પાર્ક કરેલી કારમાંથી અચાનક ધુમાડા નીકળતા લોકોનું ધ્યાન તેના તરફ ગયું હતું. જોતજોતામાં કારના આગળના ભાગે આગ ભભૂકી ઊઠી હતી અને થોડા જ સમયમાં બોનેટનો મોટો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો.
સ્થાનિકોમાં દોડધામ, રસ્તા પર લોકોના ટોળા ઉમટ્યા
આગની ઘટનાને પગલે આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. કારમાંથી નીકળતા ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓને કારણે વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી.
શોર્ટ સર્કિટની પ્રાથમિક આશંકા
ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે કારને નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં કારના એન્જિન વિભાગમાં સર્જાયેલા શોર્ટ સર્કિટને આગ લાગવાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સમયસર કામગીરીથી મોટી નુકસાની ટળી
સદનસીબે આગ લાગતી વખતે કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે આગ અન્ય વાહનો અથવા આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
