પરવડીમાં ઉત્સાહભેર યોજાયો ‘શાળા પ્રવેશોત્સવ 2026’: જિલ્લા કલેક્ટર અજય દહીયાએ બાળકોને શિક્ષણ માટે પ્રેરિત કર્યા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

વિવિધ શાળાઓમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત, કીટ, યુનિફોર્મ અને બેગનું વિતરણ

પંચમહાલ: રાજ્યવ્યાપી “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026” અંતર્ગત ગોધરા તાલુકાના પરવડી વિસ્તારમાં વિવિધ શાળાઓમાં મંગળવારે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી અજય દહીયાએ ખાસ ઉપસ્થિત રહી નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે બાળકો, વાલીઓ અને શિક્ષકોને સંબોધતા જિલ્લા કલેક્ટર શ્રી અજય દહીયાએ જણાવ્યું હતું કે શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસનો આધારસ્તંભ છે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, શિસ્ત અને મહેનત દ્વારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હતી. સાથે જ વાલીઓને પણ બાળકોના શિક્ષણ પ્રત્યે સકારાત્મક અભિગમ રાખવા અનુરોધ કર્યો હતો.

પરવડી પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના 14 બાળકોને આંગણવાડી કીટ, શાળા બેગ અને યુનિફોર્મ આપી શાળા પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. ઉપરાંત બાલવાટિકામાં 43 બાળકોનો પ્રવેશ કરાવી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાયો હતો.

શ્રી રામ વિદ્યામંદિરમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં ધોરણ-9માં 28 વિદ્યાર્થીઓનો પ્રવેશ નોંધાયો હતો.

ત્યારે એમ.સી. મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધોરણ-9માં 48 તથા ધોરણ-11માં 24 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યો, શિક્ષકગણ, સ્થાનિક આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતને લઈને ખાસ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.



આ પણ વાંચો :-