ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
છ મહિનાથી ચાલી રહેલી કામગીરી વચ્ચે ફરી સર્જાઈ હાલાકી, દેખરેખ અને અમલીકરણ પર ઉઠ્યા સવાલો

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહથી કાલુપુરા વિસ્તાર સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. જોકે, આ કામગીરી દરમિયાન વારંવાર પાણી ભરાવા, ગંદકી અને ગટરના પાણી જાહેર માર્ગો પર વહેતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તાજેતરમાં ફરી એકવાર ગાંધીનગર ગૃહ વિસ્તારમાં પાણીની રેલમછેલ જોવા મળતાં સ્થાનિક રહિશો, વેપારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વિસ્તારમાં પાણી ભરાઈ જતાં માર્ગો પર કાદવ અને ગંદકી ફેલાઈ ગઈ હતી, જેના કારણે રોજિંદા અવરજવરમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન પૂરતી તકેદારી અને યોગ્ય આયોજનના અભાવે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
સ્થાનિક વેપારીઓએ અગાઉ પણ સંબંધિત કોન્ટ્રાક્ટર સામે ગટરના પાણી જાહેર માર્ગો પર છોડવામાં આવતું હોવાની ફરિયાદો કરી હતી. આ મુદ્દે કેટલાક સ્થાનિક આગેવાનો અને જનપ્રતિનિધિઓએ પણ મહાનગરપાલિકાનું ધ્યાન દોર્યું હોવાનું જાણવા મળે છે.
મહત્વની બાબત એ છે કે અગાઉ ગંદકી અને બેદરકારીના મુદ્દે મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા હવે કામગીરીની ગુણવત્તા તેમજ સંબંધિત અધિકારીઓની દેખરેખ અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે લાંબા સમયથી ચાલતી કામગીરીના કારણે વિસ્તારના લોકો સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેઓએ મહાનગરપાલિકા તંત્રને ડ્રેનેજ લાઈનની કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા તેમજ પાણી ભરાવા અને ગંદકીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આશા રાખી રહ્યા છે કે સંબંધિત તંત્ર તાત્કાલિક પગલાં લઈ સમસ્યાનું નિરાકરણ લાવશે.
